<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પત્‍ની ઝઘડીને પિયરમાં જતી રહીઃ વધુ ગુસ્‍સે થયેલા જમાઈએ સાસુને કચડી નાખી

પંજાબના હોશિયારપુરમાં ઘરેલૂ ઝઘડાએ ખતરનાક રૂપ

હોશિયારપુર તા.૨૫: પંજાબના હોશિયારપુરમાં ઘરેલૂ ઝઘડાએ એવું ખતરનાક રૂપ લઈ લીધું કે એક જમાઈએ કથિત રીતે પોતાની જ ૮૫ વર્ષીય સાસુ અને તેમના પાડોશીને ટેમ્‍પો લઈને કચડી નાખ્‍યા. આ ઘટનામાં વૃદ્ધ મહિલાનો જીવ ગયો, જ્‍યારે પાડોશીને એટલી ગંભીર ઈજા થઈ છે કે ડોક્‍ટરે તેમનો એક પગ કાપવો પડ્‍યો. આ ઘટનાને અંજામ આપ્‍યા બાદ આરોપી ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે તેના વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના સોમવાર સાંજની છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, હોશિયારપુરના ન્‍યૂ દીપ નગરમાં રહેવાસી હરભજન કૌર પોતાના પાડોશી જસવીર સિહ ઉર્ફ કક્કા ગુજ્જરના ઘર બહાર ઊભી હતી. આ દરમિયાન બગોવાલ ગામના રહેવાસી તેમના જમાઈ બલજીત સિહ ટેમ્‍પો લઈને આવ્‍યા. આરોપ છે કે તેણે વાહનથી હરભજન કૌર અને જસવીર સિહને કચડી નાખ્‍યા અને ઘટનાસ્‍થળેથી ભાગી ગયો.

પોલીસે જણાવ્‍યું કે પરિવારના સભ્‍યો બંને ઘાયલોને હોશિયારપુરની એક પ્રાઈવેટ હોસ્‍પિટલમાં લઈ ગયા, જ્‍યાં જસવીર સિહની ઈજાની ગંભીરતાને જોતા ડોક્‍ટરે તેમનો એક પગ કાપવો પડ્‍યો. પોલીસે જણાવ્‍યું કે, ત્‍યાર બાદ બંનેને લુધિયાણાની દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલમાં રેફર કર્યા, જ્‍યાં સારવાર દરમિયાન હરભજન કૌરનું મોત થઈ ગયું.

પોલીસના જણાવ્‍યા અનુસાર, બલજીત સિહ અને તેમની પત્‍ની વચ્‍ચે ઘરેલૂ ઝઘડો હતો. પોલીસે જણાવ્‍યું કે, લગભગ ચાર-પાંચ મહિના પહેલા તેમની પત્‍ની સાસરિયું છોડીને પોતાના પિયરે આવી ગઈ હતી અને ત્‍યારથી તે પિયરમાં રહેતી હતી. ઔદ્યોગિક ફોકલ પોઈન્‍ટ પુરહીરાં પોલીસના પ્રભારી ઉપરનિરીક્ષક રાજેશ કુમારે જણાવ્‍યું કે મંગળવારે બલજીત સિહ વિરુદ્ધ બીએનએસની કલમ અંતર્ગત ગુનો નોંધી લીધો છે.પંજાબના હોશિયારપુરમાં ઘરેલૂ ઝઘડાએ  ખતરનાક રૂપ  પત્‍ની ઝઘડીને પિયરમાં જતી રહી  ગુસ્‍સે થયેલા જમાઈએ સાસુને કચડી નાખી.

(10:14 AM IST)