તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
પત્ની બની શૈતાનઃ પતિને ખાટલામાં બાંધી આપ્યો વીજ કરંટ
પત્નીએ પવિત્ર સંબંધને કલંકિત કરીને પોતાના પતિને બાંધીને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી : મારપીટ અને વીજળીના કરંટના આ મામલામાં પતિની હાલત નાજુક છે. પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી પત્ની વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે

ફતેહપુર તા.૭: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં ક્રૂરતાની પરાકાષ્ઠા જોવા મળી છે. પારસદેવપુર ગામમાં એક પત્નીએ પોતાના પતિને ખાટલામાં બાંધીને આખી રાત અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પત્નીએ પતિને એટલો માર્યો કે તે લોહીલુહાણ થઈ ગયો. પત્નીએ ઈલેક્ટ્રિક વાયરથી તેને કરંટ આપ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપી પત્નીને કસ્ટડીમાં લીધી છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
ફતેહપુરના ઔંગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પારસદેવપુર ગામમાં પોલીસને ડાયલ ૧૧૨ પર જાણકારી મળી હતી. આ માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચેલી પોલીસને સંજીવ તિવારી નામનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળ્યો. તે ખાટલામાં બંધાયેલો હતો. તેના શરીર પર ઈજાના અનેક નિશાન હતા.
પીડિત સંજીવ તિવારીએ પોલીસને જણાવ્યું કે રવિવારે રાત્રે તેની પત્નીએ તેને ખાટલા સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ પત્નીએ તેના પર સતત મારપીટ કરી હતી. હિસાનો સિલસિલો ત્યાં જ અટક્યો નહીં, આરોપ છે કે પત્નીએ તેને જીવતો રાખવા છતાં વીજળીનો કરંટ પણ આપ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે પોલીસ તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને પ્રાથમિક સારવાર આપીને ગંભીર સ્થિતિને જોતા કાનપુર રિફર કર્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી અભિમન્યુ માંગલિકે તપાસના આદેશ આપ્યા હતા. સંજીવ તિવારીના ભાઈએ પોતાની ભાભી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મળતાની સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસે આરોપી પત્નીને કસ્ટડીમાં લઈ લીધી છે. હાલમાં પોલીસ પત્નીની પૂછપરછ કરી રહી છે અને હિસા પાછળનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
