<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પત્‍ની વારંવાર પિયરમાં જતી રહેતીઃ નારાજ જમાઈએ સાસુને પતાવી ભૂસાના ઢગલામાં સળગાવી દીધી

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્‍લામાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો

પીલીભીત તા.૮: ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્‍લામાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક વ્‍યક્‍તિ પર પોતાની સાસુની હત્‍યા કરીને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ભૂસાના ઢગલામાં સળગાવી દેવાનો આરોપ લાગ્‍યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્‍થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ભૂસાના ઢગલામાંથી મળેલા હાડકાં તેમજ બંગડીઓ કબજે કરી ફોરેન્‍સિક તપાસ માટે મોકલી આપ્‍યા છે.

માહિતી અનુસાર, આ ઘટના અમરિયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના એક ગામની છે. મૃતક મહિલાના પુત્રએ પોતાના બનેવી સામે માતાની હત્‍યાનો આરોપ લગાવ્‍યો છે. યુવકે પોલીસને જણાવ્‍યું કે તેની બહેન વારંવાર પોતાની માતાને મળવા પિયર આવતી હતી, જે બાબત તેના પતિને પસંદ નહોતી. આ મુદ્દે પતિ-પત્‍ની વચ્‍ચે અવારનવાર વિવાદ થતો હતો.

આરોપ છે કે આ જ નારાજગીના કારણે આરોપીએ પોતાની સાસુની હત્‍યા કરી અને પછી પુરાવા છુપાવવા માટે મૃતદેહને ભૂસાના ઢગલામાં સળગાવી દીધો. ઘટનાનો ભેદ ત્‍યારે ખુલ્‍યો જ્‍યારે ભૂસાના ઢગલામાંથી કેટલાક હાડકાં મળી આવ્‍યા. ત્‍યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને તપાસ શરૂ થઈ.

પોલીસે સ્‍થળ પરથી મળેલા અવશેષોને ડીએનએ પરીક્ષણ અને ફોરેન્‍સિક તપાસ માટે મોકલ્‍યા છે. અધિકારીઓનું કહેવું છે કે ડીએનએ રિપોર્ટ આવ્‍યા બાદ જ સ્‍પષ્ટ થશે કે મળેલા હાડકાં ખરેખર ગુમ થયેલી મહિલાનાં છે કે નહીં.

હાલ પોલીસ તમામ પાસાઓને ધ્‍યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને સંબંધિત લોકોની પૂછપરછ પણ ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્‍તારમાં ભારે ચકચાર મચાવી છે. સ્‍થાનિક લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, જ્‍યારે પોલીસ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સત્‍ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.

(9:52 AM IST)