News of Monday, 13th July 2026
ઓટો ડ્રાઇવરના પ્રેમમાં અંધ પત્નીની હેવાનિયત: પતિના ત્રણ ટુકડા કરી લાશ ઝાડીઓમાં ફેંકી : ૧૧ મહિના સુધી છુપાયેલું રહ્યું ક્રૂર હત્યાનું રહસ્ય
નવી મુંબઈમાં સિયા કાંડ જેવી જ હૃદયકંપાવનારી ઘટના : બાળકોને માસીના ઘરે મોકલીને પ્રેમી સાથે મળી ઊંઘતા પતિનો ખેલ ખતમ કર્યો

નવી મુંબઈ: પ્રેમમાં અંધ બનેલી સ્ત્રી જ્યારે ક્રૂરતા પર ઉતરે છે ત્યારે તે તમામ હદો પાર કરી નાખે છે, તેનો જીવતો જાગતો પુરાવો નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. લોહગઢ કિલ્લા પરથી મંગેતરને ધકેલી દેનારી 'સિયા'ના કાવતરાથી પણ વધુ ભયાનક કાંડ આચરનારી સુનિતા નામની મહિલાએ તેના ઓટો ડ્રાઈવર પ્રેમી સાથે મળીને સગા પતિ બલિરામ કુશવાહની માત્ર હત્યા જ નથી કરી, પરંતુ લાશના ત્રણ ટુકડા કરી નાખ્યા હતા. આ બંને નરાધમોએ એટલી શાતિરતાથી ગુનાને અંજામ આપ્યો હતો કે પૂરા ૧૧ મહિના સુધી કોઈને કાનોકાન ખબર પડવા દીધી નહોતી. પરંતુ, કાયદાના લાંબા હાથથી બચવા માટે કરેલી એક નાની ભૂલ આખરે તેમને જેલના સળિયા પાછળ ખેંચી ગઈ છે.
આ લોહીયાળ ખેલની શરૂઆત સુનિતા અને ઘણસોલીના રિક્ષાચાલક રાહુલ પ્રજાપતિ વચ્ચેના ગેરકાયદેસર સંબંધોથી થઈ હતી. બે બાળકોની માતા સુનિતાના આ અફેરની જાણ જ્યારે તેના પતિ બલિરામને થઈ, ત્યારે ઘરમાં રોજબરોજના ઝઘડા શરૂ થયા હતા. પ્રેમી સાથેના મિલનમાં પતિ આડો આવતો હોવાથી સુનિતાએ તેને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનો પ્લાન ઘડી કાઢ્યો. ૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સુનિતાએ પોતાના બંને માસૂમ બાળકોને તેમની કાકીના ઘરે મોકલી દીધા અને રાત્રે જ્યારે બલિરામ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, ત્યારે પ્રેમી રાહુલને ઘરે બોલાવીને પહેલા તેનું ગળું દબાવ્યું અને બાદમાં તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો.
હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેમણે રાક્ષસીપણાની હદ વટાવી દીધી હતી. બલિરામના શવને ઘરની અંદર જ કાપીને માથું, ધડ અને પગ એમ ત્રણ ટુકડા કરી અલગ-અલગ ચાદર અને કોથળામાં પેક કરી દીધા હતા. ત્યારબાદ રાતના અંધારામાં રાહુલ પોતાની જ ઓટો રિક્ષામાં આ લાશના ટુકડા ભરીને ગવળી દેવની ગીચ ઝાડીઓમાં ફેંકી આવ્યો હતો. હત્યાના આઠ મહિના પછી જ્યારે બલિરામનો ભાઈ ગામડેથી મળવા આવ્યો અને સુનિતાએ તેના ગુમ થવાની ખોટી વાર્તા ઘડી, ત્યારે ભાઈને શંકા ગઈ અને એપ્રિલ ૨૦૨૬માં રબાલે MIDC પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે જ્યારે ટેકનિકલ તપાસ અને કોલ ડિટેઇલ રેકોર્ડ્સ ખંગાળ્યા, ત્યારે સુનિતા અને રાહુલના સતત બદલાતા સિમ કાર્ડ અને તેમની વચ્ચેની ગુપ્ત વાતચીત પકડાઈ ગઈ, જેનાથી આ ભયાનક હત્યાકાંડનો પર્દાફાશ થયો.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
