<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

વસાઈ-વિરારમાં પત્નીનો ખૌફનાક ગુસ્સો: પતિના ગુપ્ત લગ્નની જાણ થતાં બીજી પત્ની પર છરી અને ત્રિશૂળ વડે કર્યો જાનલેવા હુમલો

ઘરમાં અચાનક આવી પહોંચેલી બીજી પત્ની સાથે ઉગ્ર બોલાચાલી બાદ મહિલાએ દરવાજો બંધ કરી લીધો; બેડરૂમમાં પુરાઈને ૧૧૨ નંબર પર કોલ કરતા પોલીસે દરવાજો તોડીને બચાવી

વસાઈ, તા.૦૨: વસાઈ-વિરાર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. પતિના બીજા લગ્નની જાણ થતાં જ પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે પતિની બીજી પત્ની પર છરી તેમજ ત્રિશૂળ વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ૨૨ વર્ષીય કોમલ સરોજ ગંભીર રીતે ઘાયલ થઈ છે. બનાવ અંગે બોલિંજ પોલીસે ગુનો નોંધી આરોપી પ્રથમ પત્નીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મહિલા લક્ષ્મી પ્રસાદ (૩૧) તેના પતિ સાથે વિરારના મેફેર ગાર્ડનમાં રહેતી હતી. જુલાઈ ૨૦૨૪ માં તેના પતિએ લક્ષ્મીને જણાવ્યા વગર ગુપ્ત રીતે કોમલ સરોજ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. રવિવારે જ્યારે કોમલ અચાનક તેમના ઘરે આવી પહોંચી ત્યારે બંને મહિલાઓ વચ્ચે સખત ઝઘડો થયો હતો.

દરવાજો તોડીને પોલીસે ઘાયલ મહિલાને હોસ્પિટલ પહોંચાડી

બોલાચાલી દરમિયાન ગુસ્સે ભરાયેલી લક્ષ્મીએ ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ધારદાર છરી તથા ત્રિશૂળ વડે કોમલ પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જીવ બચાવવા માટે રક્તરંજિત હાલતમાં કોમલે પોતાને ઘરના એક બેડરૂમમાં પૂરી દીધી હતી અને તાત્કાલિક પોલીસ ઇમરજન્સી હેલ્પલાઇન (૧૧૨) પર કોલ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ બોલિંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘરનો દરવાજો તોડીને કોમલને સુરક્ષિત બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસે આરોપી લક્ષ્મી પ્રસાદ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૯ (હત્યાનો પ્રયાસ) અને ૩૫૨ હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં કોમલની હાલત સ્થિર છે.

(4:05 PM IST)