<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

લંડનની શાન ગણાતી ૧૨,૦૦૦ ઓફિસો બનશે 'ભૂતિયા બંગલા'? અબજો પાઉન્ડની સંપત્તિ પર જોખમ!

બ્રિટનના કડક પર્યાવરણીય કાયદાઓએ મકાનમાલિકોની ઉંઘ ઉડાડી: ૨૦૩૦ સુધીમાં જો ઓફિસો 'ગ્રીન' નહીં થાય, તો તેની કિંમત શૂન્ય થઈ જશે અને માલિકોએ તેને ભાડે આપવા પર પણ કાયદેસર પ્રતિબંધનો સામનો કરવો પડશે

નવી દિલ્હી : લંડનના હાર્દ સમાન વેસ્ટમિન્સ્ટર અને સિટી ઓફ લંડન વિસ્તારમાં આવેલી હજારો ઓફિસો ટૂંક સમયમાં 'બિનઉપયોગી' જાહેર થઈ શકે છે. બ્રિટિશ સરકારના નવા "એનર્જી એફિશિયન્સી સ્ટાન્ડર્ડ્સ" મુજબ, જે ઇમારતો ઉર્જા બચતના ધોરણોમાં ખરી નહીં ઉતરે, તેને ૨૦૩૦ પછી ભાડે આપવી કે વેચવી ગુનો ગણાશે. ચોંકાવનારી વાત એ છે કે હાલમાં લંડનની માત્ર ૪% ઓફિસો જ સર્વોચ્ચ 'A' રેટિંગ ધરાવે છે, જ્યારે બાકીની ૭૦% થી વધુ મિલકતો પર લટકતી તલવાર જેવી સ્થિતિ છે.

 નાના અને પરંપરાગત મકાનમાલિકો માટે આ ઇમારતોનું નવીનીકરણ કરવું આર્થિક રીતે પરવડે તેમ નથી, કારણ કે મજૂરોની અછત અને મોંઘા મટિરિયલને કારણે ખર્ચ આસમાને પહોંચ્યો છે. પરિણામે, તેઓ પોતાની પેઢીઓની મિલકતો સસ્તા ભાવે વેચીને મેદાન છોડી રહ્યા છે. બીજી તરફ, બ્લેકસ્ટોન અને બ્રુકફિલ્ડ જેવા વૈશ્વિક રોકાણ દિગ્ગજો આ 'સસ્તી' મિલકતો ખરીદી રહ્યા છે. તેમનો પ્લાન સ્પષ્ટ છે: જૂની ઇમારતોને હાઇ-ટેક અને ગ્રીન રિફર્બિશમેન્ટ આપીને ફરીથી પ્રીમિયમ ભાવે ભાડે ચડાવવી.

જે મકાનમાલિકો સમય સાથે નહીં બદલાય તેમની સંપત્તિ 'ડેડ એસેટ' એટલે કે સ્થગિત સંપત્તિ બની જશે, જેની બજારમાં કોઈ કિંમત નહીં રહે. આ માત્ર એક પર્યાવરણીય લડાઈ નથી, પરંતુ લંડનના અસ્તિત્વ અને તેની આર્થિક સત્તા જાળવી રાખવાનો જંગ છે.

(7:43 PM IST)