તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
હવાઈ મુસાફરી થશે મોંઘી? સતત ચોથા મહિને વધ્યા ATFના ભાવ
તહેવારોમાં મિડલ ક્લાસને પડી શકે ફટકો : જેટ ફયુઅલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૧.૩૭નો વધારો થતાં હવે તેનો ભાવ રૂ.૧૩૮.૫૦ થયો છે, જે અગાઉ રૂ.૧૩૭.૧૨ હતો

નવી દિલ્હી,તા.૨: તહેવારોની મોસમમાં હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખર્ચ વધવાની શક્યતા ઊભી થઈ છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારથી વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઈન ફયુઅલ (એટીએફ)ના ભાવમાં ફરી વધારો કર્યો છે. જેટ ફયુઅલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૧.૩૭નો વધારો થતાં હવે તેનો ભાવ રૂ.૧૩૮.૫૦ થયો છે, જે અગાઉ રૂ.૧૩૭.૧૨ હતો. આ સાથે સતત ચોથા મહિને વિમાનના ઇંધણના ભાવ વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ ઊંચા રહેતાં આ વધારો કરવામાં આવ્યો છે જેને કારણે તહેવારોમાં હવાઈ ભાડા પણ આસમાને પહોંચી શકે છે.
છેલ્લા ત્રણ મહિનામાં પણ એટીએફના ભાવમાં સતત વધારો થયો છે. પહેલી ઑગસ્ટે પ્રતિ લિટર રૂ.૫, ૧ સપ્ટેમ્બરે રૂ.૬.૨૮ અને ૧ ઑક્ટોબરે રૂ.૧૬નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. હવે નવેમ્બરમાં ફરી રૂ.૧.૩૭નો વધારો થતાં એરલાઈન્સના સંચાલન ખર્ચ પર વધુ દબાણ આવશે. વિમાન કંપનીઓના કુલ સંચાલન ખર્ચમાં જેટ ફયુઅલનો હિસ્સો આશરે ૪૦ ટકા સુધી હોય છે, તેથી ઇંધણના ભાવમાં થતો દરેક વધારો કંપનીઓના ખર્ચને સીધી અસર કરે છે.
ઇંધણ મોંઘું થવાથી એરલાઈન્સ ભાડાંમાં વધારો કરે તેવી શક્યતા છે, જોકે એટીએફના ભાવ વધે એટલે હવાઈ ટિકિટના ભાવમાં તરત જ વધારો થાય એવું જરૂરી નથી. ટિકિટના ભાડા નક્કી કરતી વખતે પ્રવાસીઓની માંગ, સ્પર્ધા અને અન્ય સંચાલન ખર્ચ જેવા પરિબળો પણ મહત્ત્વ ધરાવે છે. જો કંપનીઓ વધારાનો ખર્ચ પોતે સહન ન કરી શકે તો તેનો કેટલોક બોજ પ્રવાસીઓ પર નાખવામાં આવી શકે છે.
એટીએફના ભાવમાં વધારા સાથે કમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘો થયો છે. હોટેલ અને રેસ્ટોરાંમાં વપરાતા ૧૯ કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.૧૦નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે તેની કિમત રૂ.૨,૮૨૦ થઈ છે. આ સતત બીજા મહિને કોમર્શિયલ એલપીજીના ભાવમાં વધારો છે. ૧ ઑક્ટોબરે પણ સિલિન્ડર દીઠ રૂ.૬૨.૫૦નો વધારો થયો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં રૂ.૯.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો.
જોકે, ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિમત રૂ.૯૪૨ યથાવત્ છે. પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં પણ હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
એટીએફ અને એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ તથા રૂપિયાની સામે ડોલરના દરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. પરંતુ હવે એક સાથે બે જગ્યાએ ભાવવધારો થતાં સામાન્ય નાગરિકોના ખીસ્સા પર તેની સીધી અસર થશે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
