<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

લોકસભાની સીટો ૫૪૩થી વધીને ૮૫૦ થશે? પરિસીમન બિલ માટે વિશેષ સત્રની તૈયારી

બિલ પસાર થવાની સાથે જ સંસદ અને રાજ્‍ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થઈ જશે

નવી દિલ્‍હી તા.૧૩: કેન્‍દ્ર સરકાર મહિલા અનામત લાગુ કરવા માટેના બંધારણીય સુધારા બિલને પસાર કરાવવા ટૂંક સમયમાં સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. એક સમાચાર એજન્‍સીના અહેવાલ મુજબ, આ પ્રસ્‍તાવિત સુધારા હેઠળ સીમાંકન દ્વારા લોકસભાની વર્તમાન ૫૪૩ બેઠકોની સંખ્‍યા વધારીને મહત્તમ ૮૫૦ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. આ બિલ પસાર થવાની સાથે જ સંસદ અને રાજ્‍ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થઈ જશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સરકારને વિશ્વાસ છે કે તેની પાસે જરૂરી સંખ્‍યાબળ મોજૂદ છે અને આ બિલ ૧૫થી ૧૮ મતોના અંતરથી પસાર થઈ જશે. જોકે, પ્રસ્‍તાવિત સત્રની તારીખો કે સમયગાળા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બંધારણીય સુધારા બિલ પસાર કરાવવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે, જેના માટે ૩૬૧ મતોની આવશ્‍યકતા રહે છે. ૫૪૩ સભ્‍યોની લોકસભામાં હાલ ૩ બેઠકો ખાલી છે. અગાઉ સરકારે ૧૭ એપ્રિલના રોજ બજેટ સત્ર દરમિયાન આ બિલ પસાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જરૂરી સંખ્‍યાબળ ન હોવાથી તે પસાર થઈ શક્‍યું ન હતું.

સંસદને ટૂંકા સમયની નોટિસ પર બોલાવવાની શક્‍યતા હજુ પણ યથાવત છે, કારણ કે ચોમાસુ સત્રનું હજુ સુધી ઔપચારિક રીતે સત્રાવસાન કરવામાં આવ્‍યું નથી. ૧૩ ઓગસ્‍ટના રોજ ચોમાસુ સત્રને અનિヘતિકાળ માટે સ્‍થગિત કરવામાં આવ્‍યું હતું. આ સત્ર હવે ૯૧ દિવસથી સત્રાવસાન વિના ચાલી રહ્યું છે, જેણે વર્ષ ૨૦૦૮ના ૮૭ દિવસના અગાઉના રેકોર્ડને તોડી નાખ્‍યો છે. નિયમ મુજબ, વર્તમાન સત્રની અંદર જ કોઈ બેઠક લંબાવવા માટે ઓછામાં ઓછી ૨ દિવસની નોટિસની જરૂર પડે છે, જ્‍યારે નવું સત્ર બોલાવવા માટે ૧૪ દિવસની નોટિસ આપવી પડે છે. સરકારના આ નિર્ણયથી વિશેષ બેઠક બોલાવવાની અટકળો તેજ બની છે.

દક્ષિણના રાજ્‍યોની ચિંતાઓને દૂર કરવા માટે સરકારે તમામ રાજ્‍યોની લોકસભા બેઠકોની સંખ્‍યામાં ૫૦ ટકાનો વધારો કરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. સરકાર ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત કાયદો લાગુ કરવા માંગે છે. અગાઉના બિલના આધારે તૈયાર કરાયેલા આ નવા મુસદ્દામાં ૧૯૭૧ની વસ્‍તી ગણતરી મુજબ રાજ્‍યો વચ્‍ચે બેઠકોનું વર્તમાન પ્રમાણ જાળવી રાખવાનો પ્રસ્‍તાવ છે.

સંસદનું સત્રાવસાન ન કરવા મામલે કોંગ્રેસ સતત આક્રમક વલણ અપનાવી રહી છે. ૯ નવેમ્‍બરના રોજ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે જણાવ્‍યું હતું કે, સંસદને અનિヘતિકાળ માટે સ્‍થગિત કર્યાને ૮૮ દિવસ થઈ ગયા હોવા છતાં તેનું સત્રાવસાન કરવામાં આવ્‍યું નથી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે નિવેદન આપતા કહ્યું હતું કે, 'આજે એક નવો રેકોર્ડ બન્‍યો છે. આ રેકોર્ડ એટલા માટે બનાવવામાં આવ્‍યો છે જેથી કેન્‍દ્રીય ગૃહમંત્રીને લોકસભામાં કોઈક રીતે શંકાસ્‍પદ બે-તૃતીયાંશ બહુમતી એકત્ર કરવાનો સમય મળી શકે, જેનાથી ખતરનાક અને વિનાશકારી સીમાંકન બિલ પસાર કરાવી શકાય. વિપક્ષની એ એકતા, જેણે ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેમના કુટિલ ઈરાદાઓને કારમી હાર આપી હતી, તે ફરી એકવાર કામ આવશે, જો તેઓ પોતાની જાણીતી બુલડોઝર વાળી રણનીતિનું પુનરાવર્તન કરશે.

જયરામ રમેશે વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્‍યક્ષે છેલ્‍લા ૬ મહિનામાં વડાપ્રધાનને ૪ વખત પત્ર લખીને આગ્રહ કર્યો છે કે સીમાંકન પર તમામ પક્ષોની એક બેઠક બોલાવવામાં આવે, જેથી કોઈ પણ કાયદો રજૂ કરતા પહેલા તમામ પ્રસ્‍તાવો પર પારદર્શક રીતે અને વિસ્‍તારપૂર્વક ચર્ચા થઈ શકે. વડાપ્રધાને આમ કરવાનો સ્‍પષ્ટ ઈનકાર કરી દીધો છે.

(11:14 AM IST)