News of Tuesday, 8th September 2026
"ઝુકેગા નહીં..." IAS તુકારામ મુંઢે ફરી એક્શનમાં: ૮૦૦થી વધુ બોગસ કંપનીઓ પર તવાઈ બોલાવી રૂ. ૧૧ કરોડથી વધુની ગેરકાયદે દવાઓ જપ્ત
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનરની લાલ આંખ: જૂનથી ઓગસ્ટ દરમિયાન ૨,૯૦૨ નિરીક્ષણો કરી ૬૭૭ લાયસન્સ કરાયા સ્થગિત અને ૨૦૩ રદ

મુંબઈ તા.08: મહારાષ્ટ્રમાં પોતાના કડક અને બેબાક વહીવટી મિજાજ માટે જાણીતા સિનિયર IAS અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢે ફરી એકવાર ફૂલ એક્શન મોડમાં આવ્યા છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી નકલી અને ગેરકાયદે કંપનીઓ વિરુદ્ધ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક ઝુંબેશ અંતર્ગત જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યભરમાં કડક દરોડા પાડવામાં આવ્યા છે. આ ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં એફડીએની ટીમે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી ૮૮૦ જેટલી કંપનીઓ અને એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ સઘન અભિયાન દરમિયાન એફડીએ દ્વારા કુલ ૨,૯૦૨ જેટલા સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ૬૦૭ પ્રોડક્શન યુનિટ અને ૨,૨૯૫ વેચાણ કેન્દ્રોની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. તપાસમાં ગેરકાયદે અને ધોરણો વગરની પ્રવૃત્તિઓ જણાતા વિભાગે કડક પગલાં લેતાં ૬૭૭ જેટલા લાયસન્સ સ્થગિત (સસ્પેન્ડ) કર્યા હતા, જ્યારે ૨૦૩ લાયસન્સ કાયમ માટે રદ્દ કરી નાખ્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે ધમધમતી દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો (કોસ્મેટિક્સ) ઝડપી પાડવા માટે ૧૦૪ વિશેષ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા, જેમાં કુલ રૂ. ૧૧.૪૧ કરોડની કિંમતનો શંકાસ્પદ અને પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ કડક કાર્યવાહી અંગે વાત કરતા એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સામાન્ય જનતાને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને તમામ નિયમનકારી ધોરણોને આધીન દવાઓ મળી રહે તે વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દવાઓના ઉત્પાદનથી લઈને ગ્રાહકો સુધીના અંતિમ વેચાણ પ્રત્યેક સ્તરે પારદર્શિતા અને કડક નિરીક્ષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. નિયમોની એસી કી તૈસી કરતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને વેપારીઓ સામે આ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ વધુ આક્રમક રીતે ચાલુ રહેશે, જેથી લોકોના જીવન સાથે રમત રમતા તત્વોમાં કાયદાનો ભય રહે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
