News of Thursday, 23rd April 2026
ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ રૂ.૨૫ મોંઘું થશે? સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજની સરકારે કરી સ્પષ્ટતા
પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરી ભ્રામક સમાચારોનું કર્યુ ખંડન : વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા વચ્ચે ઇંધણના ભાવમાં તોતિંગ વધારાની અફવાએ મચાવ્યો હાહાકાર

નવી દિલ્હી, તા.૨૩: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હાલમાં એક એવો દાવો વાયુવેગે ફેલાઈ રહ્યો છે કે ૨૯ એપ્રિલે વિધાનસભા ચૂંટણીઓ સંપન્ન થતાની સાથે જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨૫ થી રૂ.૨૮નો જંગી વધારો ઝીંકવામાં આવશે. કોટક ઇન્સ્ટિટયૂશનલ ઇક્વિટીઝના નામે ચાલતા એક કથિત અહેવાલે સામાન્ય જનતાની ઉંઘ હરામ કરી દીધી છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $૧૨૦ ને પાર કરી ગયા હોવાનું જણાવી ભાવવધારાને અનિવાર્ય ગણાવ્યો છે. જોકે, આ સમાચારોની ગંભીરતાને જોતા ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાત્કાલિક મેદાનમાં આવીને આ તમામ દાવાઓને સદંતર પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.
સરકારે જારી કરેલી સ્પષ્ટતામાં ભારપૂર્વક જણાવ્યું છે કે ઇંધણના ભાવમાં આટલો મોટો વધારો કરવાનો કોઈ જ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આવા ભ્રામક સમાચારો માત્ર નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના બદઈરાદાથી જ વાયરલ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે અસ્થિરતા હોવા છતાં, ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ રહ્યો છે જ્યાં છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે આંતરરાષ્ટ્રીય વધારાનો બોજ સીધો જનતાના ખિસ્સા પર પડવા દીધો નથી.
ચૂંટણીની મોસમમાં હંમેશા આવી અટકળો વહેતી થતી હોય છે કે તેલ કંપનીઓ ચૂંટણી બાદ ભાવ વધારીને પોતાનું નુકસાન ભરપાઈ કરશે, પરંતુ આ વખતે સરકારે કડક શબ્દોમાં આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકયું છે. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર મધ્યસત્ર કે વિધાનસભા ચૂંટણીઓ પહેલા અને પછી પણ મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. આમ, જનતાએ વોટ્સએપ કે ફેસબુક પર ફરતા થતા આવા મેસેજથી ગભરાવાની જરૂર નથી, કારણ કે હાલમાં તેલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
