તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
હવે રેશનકાર્ડ પર મળશે સેનિટરી પેડ્સ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસે માંગ્યો જવાબ
ગરીબ અને ગ્રામીણ મહિલાઓને મફત અથવા અત્યંત સસ્તા દરે સેનિટરી નેપકિન્સ વિતરણ કરવાની માગણી કરતી PIL પર કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યો પાસે માગ્યો ખુલાસો

નવી દિલ્હી: દેશના છેવાડાના ગામડાઓ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. દેશભરની સરકારી રાશનની દુકાનો દ્વારા ગરીબ અને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સસ્તા અથવા મફત સેનિટરી પેડ્સ ઉપલબ્ધ કરાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને આકરો જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માસિક સ્રાવ દરમિયાન સુરક્ષિત અને સ્વચ્છ ઉત્પાદનોનો ઉપયોગ એ બંધારણની કલમ 21 હેઠળ મહિલાઓના આરોગ્ય અને ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનો એક અભિન્ન ભાગ છે.
અરજીમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, હાલમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJP) પર માત્ર એક રૂપિયામાં એક સેનિટરી પેડ મળે છે, પરંતુ દેશભરમાં આવા કેન્દ્રોની સંખ્યા માત્ર ૧૯,૨૯૪ જેટલી મર્યાદિત છે. તેની સરખામણીએ દેશમાં ૪.૮ લાખથી વધુ વાજબી ભાવની રાશન દુકાનો કાર્યરત છે, જેનું નેટવર્ક દરેક ગામ અને શહેરમાં ફેલાયેલું છે. જો આ વ્યાપક સરકારી તંત્રનો ઉપયોગ મહિલાઓ માટે માસિક ક્વોટા નક્કી કરીને સેનિટરી પેડ વિતરણ કરવા માટે કરવામાં આવે, તો આર્થિક રીતે નબળા વર્ગની લાખો કિશોરીઓ અને મહિલાઓ સુધી તેની સીધી અને સરળ પહોંચ સુનિશ્ચિત થઈ શકે છે.
આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે સરકારી શાળાઓમાં ભણતી કન્યાઓ માટે મફત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન્સ અને અલગ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હતો. નવી અરજીનો મુખ્ય હેતુ આ સુવિધાને માત્ર શાળાઓ પૂરતી મર્યાદિત ન રાખતા, દેશની તમામ જરૂરિયાતમંદ મહિલાઓ સુધી વિસ્તારીને અસ્વચ્છ વિકલ્પોને કારણે થતા ગંભીર શારીરિક ચેપ અને સ્વાસ્થ્ય જોખમોથી તેમને બચાવવાનો છે. હવે તમામ સરકારોના જવાબ આવ્યા બાદ આ મામલે થનારી સુનાવણી દેશમાં સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો અધ્યાય લખશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
