તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
વેકેશનના પ્લાન પર વળશે પાણી? ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઇંધણની ભારે અછતનું જોખમ, વિમાનની ટિકિટોના ભાવ આસમાને
હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેતા ડીઝલ અને જેટ ફ્યુઅલનો પુરવઠો ખોરવાયો; યુરોપ અને એશિયામાં આર્થિક સંકટ સાથે 'એનર્જી શોર્ટેજ'ની ચેતવણી

પેરિસ, તા. 29: ઉનાળાની રજાઓમાં વિદેશ પ્રવાસ કે લાંબી મુસાફરીનું આયોજન કરી રહેલા લોકો માટે માઠા સમાચાર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ડીઝલ અને જેટ ફ્યુઅલ (વિમાનનું બળતણ) ની ભારે અછત સર્જાવાની દહેશત ઉભી થઈ છે. ફ્રેન્ચ એનર્જી કંપની 'ટોટલ એનર્જીસ' ના સીઈઓ પેટ્રિક પોયાને ચેતવણી આપી છે કે જો આગામી બે-ત્રણ મહિના સુધી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ રહેશે, તો સમગ્ર વિશ્વએ એશિયાઈ દેશો જેવી ગંભીર ઊર્જા અછતનો સામનો કરવો પડશે.
ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા આ યુદ્ધને કારણે વિશ્વના કુલ તેલ અને લિક્વિડ નેચરલ ગેસ (LNG) પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે રસ્તો ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર, દરરોજ આશરે 11 મિલિયન બેરલ તેલ બજારમાંથી ગાયબ થઈ ગયું છે. ગલ્ફ દેશોની રિફાઇનરીઓ મોટા પ્રમાણમાં ડીઝલ અને જેટ ફ્યુઅલ બનાવે છે, જેનો પુરવઠો અટકી પડતા આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં અત્યારથી જ વીજળી અને ઇંધણનું રેશનિંગ શરૂ થઈ ગયું છે.
ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે પ્રવાસન અને ડ્રાઇવિંગમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે બળતણની અછતને કારણે એશિયા અને યુરોપ વચ્ચે સંસાધનો મેળવવા માટે હોડ જામી છે. એશિયાઈ દેશો કોલસા તરફ વળી રહ્યા છે અને અછત વેઠી રહ્યા છે, જ્યારે યુરોપ મોંઘા ભાવે ઇંધણ ખરીદીને કામ ચલાવી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ યુરોપમાં ડીઝલ અને વિમાનના ઈંધણની ભારે તંગી સર્જાશે.
આ સંકટની સીધી અસર સામાન્ય પ્રવાસીઓના ખિસ્સા પર પડી રહી છે. એરલાઇન્સ કંપનીઓએ પહેલેથી જ ટિકિટના ભાવમાં ધરખમ વધારો કરી દીધો છે અને અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. યુરોપિયન યુનિયનના એનર્જી કમિશનરે પણ સ્વીકાર્યું છે કે ઘણા લોકોની રજાઓ મોંઘી ટિકિટો અથવા ફ્લાઇટ કેન્સલેશનને કારણે બગડી શકે છે. હાલમાં દેશો પોતાના વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Reserves) નો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ યુદ્ધ લાંબુ ખેંચાશે તો મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
