<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

લગ્નના ૭૨ કલાકમાં જ નવેલી દુલ્‍હને પતિ સહિત આખા પરિવારને આપી દીધી ઉંદર મારવાની દવા! ઘરેણાં-રૂપિયા લઈને રફૂચક્કર

પરિવાર લગ્નને લઈને ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી વધુ ટકી નહીં

જલગાંવ,તા.૧૨: પરિવાર લગ્નને લઈને ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી વધુ ટકી નહીં. લગ્નના માત્ર ૭૨ કલાકમાં જ કંઈક એવું બન્‍યું જેણે સૌકોઇને ચોંકાવી દીધા હતા. લગ્નના ૭૨ કલાકમાં જ નવી નવેલી દુલ્‍હને પોતાના પતિ સહિત આખા પરિવારને ઝેર આપી દીધું. દુલ્‍હને રાતના ખાવામાં ઉંદર મારવાની દવા ભેળવી દીધી હતી. ખાવાનું ખાઈને પરિવાર સૂવા માટે ગયો, પરંતુ થોડી જ વારમાં બધાની હાલત ખરાબ થવા લાગી હતી. ત્‍યાર બાદ તમામને હોસ્‍પિટલમાં દાખલ કરવા પડ્‍યાં. સારવાર બાદ તમામની હાલતમાં સુધારો છે.

સમગ્ર ઘટના મહારાષ્ટ્રના જલગાંવ જિલ્‍લાની છે. જ્‍યાં લગ્નના ત્રીજા દિવસે દુલ્‍હને પતિ અને પરિવારના સભ્‍યોને ખાવામાં ઝેર આપી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, પરિવારમાં પતિની સાથે ત્રણ અન્‍ય સભ્‍યો છે. તમામને ખાવામાં ઝેર આપીને મારવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો.

આ મામલો જલગાંવ જિલ્‍લાના પરોલા તાલુકાના વેલ્‍હાને ગામનો છે. જણાવવામાં આવ્‍યું છે કે, ૭ ઓક્‍ટોબરે ૩૨ વર્ષના એક વ્‍યક્‍તિના લગ્ન થયા હતા. ૯ ઓક્‍ટોબરે દુલ્‍હને પતિ અને પરિવારના સભ્‍યોને ખાવામાં ઉંદર મારવાની દવા ભેળવી દીધી. ત્‍યાર બાદ દુલ્‍હન એક અન્‍ય મહિલા સાથે ઘરમાંથી કેટલાક ઘરેણાં અને લગ્નમાં મળેલા રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી.

પરિવારના સભ્‍યોની તબિયત બગડ્‍યા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. પરિવારના વૃદ્ધ દંપતીની તબિયત લથડતાં તેમને સારવાર માટે ધુળેની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

આ ઘટના બાદ સ્‍થાનિક લોકો અને પરિવારના અન્‍ય સભ્‍યોએ બંને મહિલાઓની ધરપકડ કરીને તેમની સામે કેસ દાખલ કરવાની માંગ સાથે પોલીસ સ્‍ટેશનની સામે રસ્‍તો રોકીને વિરોધ કર્યો હતો. ગામલોકોના વિરોધ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ભાગવાનો પ્રયાસ કરી રહેલી બંને મહિલાઓને ધુળે જિલ્‍લાના નિમગુલ ગામ નજીકથી કસ્‍ટડીમાં લીધી હતી.

આરોપી દુલ્‍હન અને અન્‍ય મહિલાની ધરપકડ બાદ સામે આવ્‍યું હતું કે દુલ્‍હન ઝારખંડની રહેવાસી છે. તેને સાથ આપનારી મહિલા પણ ઝારખંડની જ રહેવાસી હોવાનું સામે આવ્‍યું છે. આ મહિલાઓના નામ સુમન સુભાષ સાહની અને આરતી સૂર્યાક્ષ પટેલ હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ, જલગાંવના પારોલા વિસ્‍તારના એક યુવકે બીજા રાજ્‍યની યુવતી સાથે રૂ.૨.૫ લાખ આપીને લગ્ન કર્યા હતા.

(10:13 AM IST)