<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

નોળિયો કરડવાથી મહિલાને હડકવા થયો પાણી જોઈ તરફડિયા મારે છે

પાલનપુરની હોસ્‍પિટલમાં આવ્‍યો દુર્લભ કેસઃ પાણી દેખાતાં જ શરીરમાં ઝટકા જેવા તરફડિયા મારવા લાગે જેને જોઈને પરિવારજનો પણ ગભરાઈ ગયા

પાલનપુર તા.૧૯: પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલમાં એક અતિ દુર્લભ તબીબી કિસ્‍સો સામે આવ્‍યો છે. રાજસ્‍થાનના સિરોહી જિલ્‍લાના ૪૫ વર્ષીય મહિલાને નોળિયો કરડ્‍યા બાદ હવે તેમનામાં હડકવાના લક્ષણો દેખાઈ રહ્યા છે. દોઢ મહિના પહેલાં આ મહિલાને નોળિયો કરડ્‍યો હતો. આ કેસ જોઈ ડોક્‍ટરો પણ ચોંકી ગયા છે, કારણ કે સામાન્‍ય રીતે નોળિયાના કરડવાથી હડકવા થતો નથી એવું માનવામાં આવે છે. હાલ મહિલાનું પાલનપુરની બનાસ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, દોઢ મહિના પહેલાં મહિલાને નોળિયો કરડતાં તેઓ તાત્‍કાલિક સ્‍થાનિક સરકારી હોસ્‍પિટલ પહોંચ્‍યા હતા. ત્‍યાં તેમને હડકવા વિરોધી રસી (એન્‍ટી રેબીસ વેક્‍સીન)નો પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો હતો. પરંતુ ત્‍યારબાદના ડોઝ લેવા તેઓ ફરી હોસ્‍પિટલ ગયા ત્‍યારે સ્‍થાનિક ડોક્‍ટરે કહ્યું કે નોળિયાના કરડવાથી હડકવા લાગતો નથી, તેથી આગળના ઇન્‍જેક્‍શન લેવાની જરૂર નથી. આ સલાહને કારણે મહિલાએ બાકીના ડોઝ લીધા નહોતા.

સમય જતાં મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્‍યા. ખાસ કરીને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય સ્‍પષ્ટ દેખાયો. પાણી સામે લાવતા જ તેઓ ગભરાઈ જતા, તણાવમાં આવી જતા અને પાણી પણ પી શકતા નથી. પાણી દેખાતાં જ શરીરમાં ઝટકા જેવા તરફડિયા મારવા લાગે, જેને જોઈને પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા. આ લક્ષણોને ધ્‍યાનમાં રાખીને તેમને પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

આ અંગે વાત કરતા હોસ્‍પિટલના ડો. સુનીલ જોશીએ જણાવ્‍યું કે ૧૭ જૂને ૪૫ વર્ષીય ડાળીબેન ઉજાજી સરગડાને દાખલ કરવામાં આવી છે. દોઢ મહિના અગાઉ નોળિયો કરડ્‍યા બાદ માત્ર ૧ ડોઝ એન્‍ટી રેબીસ વેક્‍સીન અપાઈ હતી અને સ્‍થાનિક ડોક્‍ટરની સલાહથી બાકીના ઇન્‍જેક્‍શન લેવાયા નહોતા. હાલ મહિલામાં હાઇડ્રોફોબિયા સહિત હડકવાના તમામ ક્‍લાસિક લક્ષણો દેખાઈ રહ્યા છે. ડોક્‍ટરોની ટીમે તપાસ કર્યા બાદ સ્‍પષ્ટ કર્યું છે કે તેમને હડકવા થયો છે, અને નોળિયો કરડવાથી હડકવો લાગવાનો આ પોતાનાં કારકિર્દીનો પહેલો કેસ છે.

ડો. સુનીલ જોશી અનુસાર, હડકવો એકવાર લાગી જાય પછી આજની તારીખે તબીબી વિજ્ઞાન પાસે તેનો કોઈ અસરકારક ઇલાજ ઉપલબ્‍ધ નથી. વાયરસ મગજમાં જઈને ‘નેગ્રી બોડી' નામના ફેરફારો પેદા કરે છે, જેના કારણે મગજ પર ગંભીર અસર થાય છે અને ધીમે ધીમે દર્દીની સ્‍થિતિ બગડતી જાય છે. આવા કેસમાં દર્દીને બચાવવાની શક્‍યતા લગભગ નાબૂદ ગણાય છે. આ ઘટના નોળિયો કે કોઈપણ પ્રાણી કરડે ત્‍યારે પૂરી એન્‍ટી રેબીસ વેક્‍સીનની સંપૂર્ણ ડોઝ લેવી કેટલી જરૂરી છે તે અંગે મોટી ચેતવણી રૂપ સાબિત થઈ રહી છે.

(10:24 AM IST)