<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

બાળકીને લઈને મહિલાએ બિલ્ડિંગ પરથી લગાવી છલાંગઃ મહિલાનું મોત; માસૂમનો જીવ બચી ગયો

હૈદરાબાદના મિયાપુર વિસ્તારમાંથી બનાવ સામે આવ્યો

હૈદરાબાદઃ હૈદરાબાદના મિયાપુર વિસ્તારમાંથી હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. અહીં એક બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ૩૭ વર્ષીય મહિલાએ કૂદીને જીવન ટૂંકાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે મહિલા બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી રહી હતી, ત્યારે તેણે ૬ મહિનાની માસૂમ બાળકીને પણ તેડી હતી. પરંતુ જ્યારે તેણે છલાંગ લગાવી ત્યારે બાળકી તેના હાથમાંથી છૂટી ગઈ હતી અને તે એક ફેંસિંગ પર જઈને પડી હતી. જેના કારણે બાળકીનો જીવ બચી ગયો છે.

આ ઘટના મિયાપુરના મયૂરીનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી પ્રેસ્ટિજ એપાર્ટમેન્ટની છે. મૃતક મહિલાનું નામ ઈશા સાહૂ છે, જે IT એન્જિનિયર હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઈશાએ પોતાની ૬ મહિનાની દીકરીને તેડીને એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી. જોકે, નીચે પડતી વખતે હવામાં જ બાળકી તેના હાથમાંથી છૂટી ગઈ હતી. બાળકી એક ફેંસિંગ પર જઈને પડી હતી, જેથી બાળકીને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે ઈશાનું ઘટનાસ્થળે દુઃખદ અવસાન થયું હતું. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે, બાળકી હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ પગલાં પાછળનું કારણ માનસિક તણાવ હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઈશા છેલ્લા ઘણા મહિનાઓથી ઈન્સોમ્નિયા એટલે કે ઊંઘ ન આવવાની ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. તે આખી રાત ઊંઘી શકતી નહોતી. તપાસ અધિકારીઓનું માનવું છે કે, લાંબા સમય સુધી ઊંઘ ન મળવાથી તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું છે.

હાલમાં મિયાપુર પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. પોલીસ એપાર્ટમેન્ટના લોકો અને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે, જેથી ઘટનાનું સાચું કારણ જાણવા મળી શકે.

(12:02 PM IST)