News of Thursday, 5th November 2026
૫૧૦ રૂપિયાનો દંડ ન ભરવા માટે મહિલા પ્રવાસી બની હિંસક, અંધેરી સ્ટેશન પર લેડી ટીસી પર કર્યો જીવલેણ હુમલો
ટિકિટ વગર મુસાફરી કરતી મહિલાએ ક્યુઆર કોડ માંગીને ભાગવાનો પ્રયાસ કર્યો અને પ્લેટફોર્મ પર ટીસીના હાથ પર બચકાં ભરી લોહીલુહાણ કરી દીધા

મુંબઈ : મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટિકિટ ચેકિંગ કરી રહેલા રેલવે કર્મચારીઓ પર હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના પશ્ચિમ રેલવેના અંધેરી રેલવે સ્ટેશન પર બની છે, જ્યાં માત્ર ૫૧૦ રૂપિયાનો દંડ ભરવાથી બચવા માટે ટિકિટ વગર મુસાફરી કરી રહેલી એક મહિલા પ્રવાસીએ ઉશ્કેરાઈને લેડી ટિકિટ ચેકર (ટીસી) પર જીવલેણ હુમલો કરી દીધો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ઘટનાની વિગતો આપતા સત્તાવાર અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ રેલવેમાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ૪૨ વર્ષીય હરપ્રીત કૌર બુધવારે સવારે વાંદ્રાથી વિરાર તરફ જતી ફાસ્ટ લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસ લેડીઝ કોચમાં ટિકિટ ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન એક મહિલા પ્રવાસી ટિકિટ વગર પકડાઈ ગઈ હતી, જેને નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે સવારે ૮:૪૨ વાગ્યે અંધેરી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ પર ઉતારવામાં આવી હતી.
પ્લેટફોર્મ પર ટીસી હરપ્રીત કૌરે જ્યારે ૫૧૦ રૂપિયાનો નિયમાનુસાર દંડ ભરવા કહ્યું ત્યારે તે મહિલાએ રોકડા રૂપિયા ન હોવાનું બહાનું ધરીને ઓનલાઈન પેમેન્ટ માટે ક્યુઆર કોડની માંગણી કરી હતી, અને જેવો સત્તાવાર રેલવે ક્યુઆર કોડ આપવા આવ્યો કે તરત જ તે પૈસા ચૂકવ્યા વગર પ્લેટફોર્મ પરથી ભાગવા લાગી હતી, જેને ટીસીએ રોકવાનો પ્રયાસ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
મહિલા પ્રવાસીએ રોષે ભરાઈને જાહેરમાં ટીસી સાથે ઉગ્ર ઝપાઝપી શરૂ કરી દીધી હતી અને અચાનક હિંસક બનીને ટીસીના હાથ પર બચકાં ભરી લીધા હતા તેમજ નહોર મારીને તેમને ગંભીર રીતે લોહીલુહાણ કરી દીધા હતા, જેનાથી સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ત્યાં હાજર અન્ય પ્રવાસીઓ તથા રેલવે સુરક્ષા દળના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈજાગ્રસ્ત મહિલા ટીસી હરપ્રીત કૌરને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી અને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા તથા મહિલા કર્મચારી પર શારીરિક હુમલો કરવા બદલ આરોપી મહિલા વિરુદ્ધ સંબંધિત રેલવે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારની હિંસક ઘટનાઓ રેલવે કર્મચારીઓની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો કરે છે, અને આગામી સમયમાં આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે જેથી ડ્યુટી પર હાજર કર્મચારીઓ સુરક્ષિત રહી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
