<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સામૂહિક બળાત્‍કારના ગુનામાં મહિલાને પણ આરોપી બનાવી શકાયઃ હાઈકોર્ટ

બળાત્‍કાર ના ગુજાર્યો હોય પરંતુ બળાત્‍કારીને મદદ કરી હોય તો ગુનો બનેઃ દિલ્‍હી હાઈકોર્ટ

નવી દિલ્‍હી તા.૧૬: સામૂહિક બળાત્‍કારના અપરાધમાં મહિલાને પણ આરોપી બનાવી શકાય તેવું ઠરાવતા દિલ્‍હી હાઈકોર્ટે નોંધ્‍યું હતું કે, મહિલાએ પીડિતા પર બળાત્‍કાર ન ગુજાર્યો હોય, પરંતુ બળાત્‍કારીને ગુનો આચરવામાં મદદ કરી હોય તો તે આરોપી બને છે. આ સાથે જસ્‍ટિસ જયરામ ભંભાણીએ મહિલા સામે ઘડાયેલા આરોપોને પડકારતી અરજી ફગાવી દીધી હતી.

પ્રસ્‍તુત કેસમાં સગીર વયની દીકરી પર બળાત્‍કાર ગુજારનારાને આરોપી મહિલાએ મદદ કરી હોવાના આરોપ લાગ્‍યા હતા. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્‍યું હતું કે, મહિલા સામે સામૂહિક બળાત્‍કારના આરોપ ઘડી શકાય નહીં તેવું આઈપીસીની કલમ ૩૭૬ ડી અને બીએનએસનીકલમ ૭૦ અન્‍વયે ફલિત થતું નથી. ભારતીય ન્‍યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૭૦ મુજબ મહિલા પર એક અથવા વધુ વ્‍યક્‍તિઓના જૂથ દ્વારા બળાત્‍કાર થયો હોય અથવા તેઓનો ઈરાદો સમાન હોય તો તેમાંની દરેક વ્‍યક્‍તિને બળાત્‍કારના ગુનેગાર ગણીને આકરી કેદની સજા થઈ શકે છે, જે ૨૦ વર્ષથી ઓછી નહીં હોય. આ સજા આજીવન કેદમાં તબદીલ કરી શકાય છે અને દંડ પણ લાગી શકે છે.

દિલ્‍હીના ભાલસવા ડેરી પોલીસ સ્‍ટેશનમાં જુલાઈ ૨૦૨૪માં સગીરા પર બળાત્‍કારનો કેસ નોંધાયો હતો. પીડિતાએ પોતાની માતા પર આરોપ લગાવ્‍યો હતો તથા અન્‍ય આરોપી સાથે શારીરિક સંબંધો બાંધવા ફરજ પાડી હોવાનો દવો કર્યો હતો. ડિસેમ્‍બર ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૪ દરમિયાન બળાત્‍કારની ઘટનાઓ વારંવાર બની હોવાનું ફરિયાદમાં જણાવ્‍યું હતું.

પ્રોસીક્‍યુશન તરફે કોર્ટ સમક્ષ રજૂઆત થઈ હતી કે, પીડિતાની માતાએ તેને ધમકાવીને જાતિય સંબંધો બાંધવા મજબૂર કરી હતી. વારંવારના અત્‍યાચારથી થાકીને સગીરાએ જુલાઈ ૨૦૨૪માં ગૃહત્‍યાગ કર્યો હતો. આ કેસમાં સામૂહિક બળાત્‍કારના ગુનામાં મહિલાને કસૂરવાર ઠેરવી શકાય નહીં તેવી રજૂઆત બચાવ પક્ષે કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી તથા મહિલા આરોપી પણ અન્‍ય આરોપીઓની જેમ જ સજાપાત્ર હોવાનું ઠરાવ્‍યું હતું.

(10:25 AM IST)