તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
લંડનમાં ‘જિન્નાત’ અને કાળા જાદુનો ડર બતાવી મહિલાઓ - બાળકીઓનું શારીરિક શોષણ કરનાર ઇમામ અબ્દુલ હલીમ ખાનને આજીવન કેદની સજા
સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે ૫૪ વર્ષીય પાખંડીને ઓછામાં ઓછી ૨૦ વર્ષની જેલનો ફટકાર્યો આદેશ : ૨૧ ગંભીર ગુનાઓમાં દોષિત ઠર્યા બાદ બ્રિટિશ ન્યાયતંત્રની કડક કાર્યવાહી

લંડન : યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનમાં ધર્મના ઓથા હેઠળ મહિલાઓ અને સગીર બાળકીઓ સાથે હેવાનિયત આચરનારા એક ઇમામને બ્રિટિશ અદાલતે કડક સજા ફટકારી છે. પૂર્વ લંડનમાં ધાર્મિક પ્રભાવ ધરાવતા ૫૪ વર્ષીય ઇમામ અબ્દુલ હલીમ ખાનને મહિલાઓ અને માસૂમ બાળકીઓ પર આચરેલા ભયાનક યૌન અપરાધોના કેસમાં સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટે (Snaresbrook Crown Court) આજીવન કેદની (ઉંમરકેદ) સજા સંભળાવી છે. અદાલતે પોતાના ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ગુનેગારે ઓછામાં ઓછા ૨૦ વર્ષ જેલમાં વિતાવવા પડશે, અને તે સમયગાળો પૂર્ણ થયા બાદ જ તેની પેરોલ અરજી પર કાનૂની વિચારણા કરવામાં આવશે.
૨૦૦૪ થી ૨૦૧૫ દરમિયાન આચરેલા ૨૧ સનસનીખેજ ગુનાઓ સાબિત થયા:
કોર્ટમાં ચાલેલી લાંબી કાનૂની સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા રજૂ કરાયેલા અકાટ્ય પુરાવા અને ગવાહોના આધારે ઇમામ અબ્દુલ હલીમ ખાન વિરુદ્ધના ગંભીર આક્ષેપો સાબિત થયા હતા. અદાલતે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૫ વચ્ચેના લાંબા સમયગાળા દરમિયાન સાત જેટલી પીડિત મહિલાઓ અને સગીર બાળકીઓ સાથે બળાત્કાર, યૌન ઉત્પીડન અને અન્ય અમાનવીય કૃત્યો કરવા બદલ કુલ ૨૧ મામલાઓમાં તેને સત્તાવાર રીતે દોષિત ઠેરવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૬માં જ્યુરી દ્વારા આ તમામ ગુનાઓ હેઠળ દોષિત જાહેર કરાયા બાદ હવે તેને આકરી સજા ફટકારવામાં આવી છે.
બાંગ્લાદેશી મૂળની મહિલાઓને ‘જિન્નાત’ અને કાળા જાદુનો ડર બતાવી શિકાર બનાવી:
સમગ્ર મામલાની વિગતવાર સુનાવણીમાં સામે આવ્યું છે કે, આરોપી ઇમામે પૂર્વ લંડનના ટાવર હેમલેટ્સ (Tower Hamlets) વિસ્તારમાં વસવાટ કરતી બાંગ્લાદેશી મુસ્લિમ મહિલાઓ અને સગીર કન્યાઓને પોતાનો શિકાર બનાવી હતી. સ્થાનિક મસ્જિદમાં મુખ્ય ઇમામ હોવાના કારણે સમાજમાં તેનો ભારે દબદબો અને પ્રભાવ હતો, જેનો દુરુપયોગ કરીને તેણે પીડિતો અને તેમના પરિવારોનો વિશ્વાસ જીત્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આરોપી મહિલાઓને એવો ભ્રમ પેદા કરતો હતો કે તેમના પર ‘જિન્ન’ અથવા કોઈ બુરી આત્માનો પ્રકોપ છે અને તે પોતાની ધાર્મિક વિધિઓથી તેમને બચાવી શકે છે. આ ખોટા ડરના ઓથા હેઠળ તે મહિલાઓને પોતાના માનસિક નિયંત્રણમાં રાખતો અને કુકર્મ આચરતો હતો.
પરિવારને બરબાદ કરવાની ધમકી આપી પીડિતોને મૂંગા રાખ્યા:
પાખંડી ઇમામ અબ્દુલ હલીમ ખાન માત્ર ડરાવીને અટકતો નહોતો, પરંતુ તે પીડિત મહિલાઓ અને બાળકીઓને સતત બ્લેકમેલ પણ કરતો હતો. તેણે પીડિતોને સખત ધમકી આપી હતી કે જો આ શારીરિક શોષણ અંગે કોઈને પણ વાત કરવામાં આવશે, તો તે તેમના સમગ્ર પરિવાર પર ભયાનક ‘કાળો જાદુ’ કરીને આખા કુટુંબને બરબાદ કરી નાખશે. આવા ગંભીર ધાર્મિક, પારિવારિક અને સામાજિક દબાણના કારણે લાચાર બનેલી પીડિત મહિલાઓ અને બાળકીઓ વર્ષો સુધી અત્યાચાર સહન કરતી રહી અને ભારે આઘાત વચ્ચે મૌન રહી હતી.
માસૂમ બાળકીએ શાળાના શિક્ષક સામે હિંમત બતાવતા પાપનો ઘડો ફૂટ્યો:
આ વર્ષો જૂના વ્યવસ્થિત નેટવર્કનો ખુલાસો ફેબ્રુઆરી ૨૦૧૮માં ત્યારે થયો જ્યારે સૌથી નાની ઉંમરની એક પીડિત બાળકીએ હિંમત ભેગી કરીને પોતાની શાળાના શિક્ષકને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી દીધી. શિક્ષકે મામલાની ગંભીરતા સમજીને તુરંત લંડનની મેટ્રોપોલિટન પોલીસને (Metropolitan Police) જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધીને હાથ ધરેલી સઘન તપાસ દરમિયાન ૫૦ થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને અનેક ડિજિટલ પુરાવા એકત્ર કર્યા હતા, જેના કારણે અન્ય પીડિત મહિલાઓ પણ ન્યાય મેળવવા સામે આવી હતી. ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસે (CPS) કોર્ટમાં અસરકારક દલીલો કરી ૯ બળાત્કાર અને ૪ યૌન ઉત્પીડન સહિતના સજાપાત્ર ગુનાઓ પુરવાર કરી નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
