News of Monday, 25th May 2026
વિશ્વ ફૂટબોલ દિવસઃ ગુજરાતમાં ફૂટબોલને મુખ્ય પ્રવાહમાં લાવવા સંકલ્પ, ગ્રાસરૂટથી પ્રોફેશનલ સુધીના માર્ગની જરૂરઃ પરિમલભાઈ નથવાણી
મે ૨૫ વિશ્વ ફૂટબોલ દિવસ નિમિત્તે GSFA પ્રેસિડેન્ટે ગુજરાતમાં ફૂટબોલ ઇકોસિસ્ટમ મજબૂત કરવા હાકલ કરી, કોર્પોરેટ રોકાણ અને શાળા-કોલેજોમાં માળખાકીય સુવિધા વધારવા પર ભાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫: વિશ્વ ફૂટબોલ દિવસ નિમિત્તે રાજ્ય સભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂર પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે ભારતમાં ક્રિકેટના વર્ચસ્વ વચ્ચે ISL અને AIFFના પ્રયત્નોથી ફૂટબોલ ધીમે ધીમે સ્થાન બનાવી રહ્યું છે, પરંતુ ગુજરાત જેવા ઉદ્યોગસાહસિક રાજ્યમાં આ રમત હજુ પણ પાછળ છે. GSFA, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ક્લબો અને અકેડેમીઓના પ્રયત્નો છતાં રાજ્યમાં ફૂટબોલ ઇકોસિસ્ટમ મજબૂત બનાવવાની જરૂર છે. વૈશ્વિક સ્તરે ફૂટબોલ અબજો ડોલરનો ઉદ્યોગ છે, જે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ મેડિસિન અને ટૂરિઝમ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઉભી કરી શકે છે.
નથવાણીએ કહ્યું કે ગુજરાતની શાળા-કોલેજોમાં ક્રિકેટને પ્રાથમિકતા મળતાં ફૂટબોલ માટે મેદાનો અને કોચિગનો અભાવ છે. સુવ્યવસ્થિત આંતર-શાળા લીગ, પ્રમાણિત કોચિગ પ્રોગ્રામ અને સુલભ મેદાનોથી ભાગીદારી વધી શકે છે. અમદાવાદ, સુરત, વડોદરામાં ટર્ફ ગ્રાઉન્ડ, એમેચ્યોર લીગ અને વીકએન્ડ ટૂર્નામેન્ટ વધી છે, પરંતુ ગ્રાસરૂટથી વ્યાવસાયિક સ્તર સુધીનો સ્પષ્ટ માર્ગ ન હોવાથી પ્રતિભા અજાણી રહી જાય છે. રાષ્ટ્રીય ફૂટબોલ સર્કિટમાં ગુજરાતની મજબૂત હાજરી ન હોવાથી યુવા ખેલાડીઓને પ્રેરણા મળતી નથી.
તેમણે કોર્પોરેટ સ્પોન્સરશિપ અને પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારીને પરિવર્તનકારી ગણાવી. ઉદ્યોગો ઞ્લ્જ્ખ્ના માળખામાં વિવિધ વય જૂથો માટે પુરુષ-મહિલા ટૂર્નામેન્ટ સ્પોન્સર કરે તો રાજ્યની ટીમો રાષ્ટ્રીય સ્તરે નિયમિત રમી શકે. સ્થાનિક ક્લબોને પ્રોત્સાહન, શહેર આધારિત લીગ મેચો અને એક્ઝિબિશન મેચોથી ચાહક સંસ્કૃતિ વિકસાવી શકાય. સરકાર મેદાનો માટે જમીન ફાળવણી, શિક્ષણમાં રમતગમતનો સમાવેશ અને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપે તો વિકાસ તેજ બની શકે. નથવાણીએ ઉમેર્યું કે ગુજરાત પાસે યુવા શક્તિ, સંસાધનો અને મહત્ત્વાકાંક્ષા છે, હવે માત્ર દિશા અને પ્રતિબદ્ધતાની જરૂર છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
