News of Wednesday, 8th July 2026
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વાણીવિલાસથી દુનિયા ગોથા ખાવા લાગી : થોડી મિનિટો પહેલા ઇરાન પર ભયાનક હુમલાની ગર્જના કર્યા બાદ હવે સુર બદલાયો!, ટ્રમ્પને લાગે છે કે કોઈ મોટું યુદ્ધ હવે નહીં ફાટી નીકળે!
તુર્કીના અંકારામાં નાટો સમિટના અંતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રમ્પના અકળ વલણથી આશ્ચર્ય : ઇરાનની હિટ લિસ્ટમાં પોતે 'નંબર વન' હોવાનો રાગ આલાપવાની સાથે જ દાવો કર્યો કે અમેરિકાની જવાબી કાર્યવાહીથી ઓઇલ માર્કેટ વધુ સુરક્ષિત બનશે!

અંકારા: અકળ અને ક્ષણ-ક્ષણમાં બદલાતા નિર્ણયો માટે જાણીતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનો જોઈને વૈશ્વિક રાજનીતિના નિષ્ણાતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે. હજુ થોડી જ ક્ષણો પહેલા જે નેતાએ ઇરાન પર આજે રાત્રે જ ભયાનક સૈન્ય હુમલો (એર સ્ટ્રાઇક) કરવાની અને તેના અર્થતંત્રની કમર તોડી નાખવાની ખુલ્લી ગર્જના કરી હતી, તેમણે પલટી મારીને પત્રકારો સમક્ષ તદ્દન વિરોધાભાસી દાવો કર્યો છે. તુર્કીના અંકારા ખાતે બેસ્ટેપે પ્રેસિડેન્શિયલ કમ્પાઉન્ડમાં નાટો સમિટના સમાપન બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે જણાવ્યું હતું કે, બંને તરફથી થયેલા સૈન્ય હુમલાઓ છતાં તેઓ એવું નથી માનતા કે ઇરાન સાથે કોઈ પૂર્ણ-કક્ષાનું મોટું યુદ્ધ ફાટી નીકળશે. ટ્રમ્પના આ યુ-ટર્ન અને બેધારી વાતોને પગલે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું સુપર પાવર અમેરિકાના વડા વૈશ્વિક સંકટ સમયે ગંભીરતા ગુમાવી બેઠા છે?
તેઓએ થોડા જહાજો પર હુમલો કર્યો, તો અમે તેમને વધુ જોરદાર ફટકાર્યા - ટ્રમ્પ:
પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અનોખા અંદાજમાં જણાવ્યું કે, "મને નથી લાગતું કે આ યુદ્ધ ફરીથી શરૂ થશે. હું માનું છું કે આ બધું ખૂબ જ ઝડપથી પૂરું થઈ જશે. તેઓએ (ઇરાને) અમારા થોડા જહાજોને નિશાન બનાવ્યા હતા, તેથી અમે તેમના પર ઘણો મોટો અને જોરદાર વળતો હુમલો કર્યો છે." ટ્રમ્પે ખૂબ જ હળવાશથી દાવો કર્યો કે હવે જે કંઈ પણ થશે તે બહુ ઝડપથી સમાપ્ત થઈ જશે અને તેનાથી વૈશ્વિક સ્તરે સુરક્ષામાં વધારો થશે, જેમાં ક્રૂડ ઓઇલ (તેલ) ના બજારોનો પણ સમાવેશ થઈ જાય છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઓઇલ માર્કેટ સુરક્ષિત થવાના ટ્રમ્પના લોજિકથી આર્થિક નિષ્ણાતો પણ અચંબામાં પડી ગયા છે.
ફરી આલાપ્યો 'હિટ લિસ્ટ' નો રાગ:
વૈશ્વિક યુદ્ધ અને કટોકટી જેવા ગંભીર મુદ્દાની ચર્ચા વચ્ચે પણ અમેરિકી પ્રમુખ પોતાનો અંગત રાગ આલાપવાનું ભૂલ્યા ન હતા. તેમણે પત્રકારો સમક્ષ પોતાની જૂની વાતોનું પુનરાવર્તન કરતા સનસનાટી મચાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ પોતે તેહરાનના નિશાના પર છે. ટ્રમ્પે ગર્વભેર કહ્યું કે, "ઇરાનની કિલ લિસ્ટ (હત્યાની યાદી) માં હું નંબર વન પર છું." એક તરફ ઇરાન પોતાનો જીવ લેવા તૈયાર બેઠું હોવાનો દાવો કરવો અને બીજી તરફ તે જ ઇરાન સાથે કોઈ મોટો સંઘર્ષ નહીં થાય તેવી ભવિષ્યવાણી કરવી, ટ્રમ્પના આ પરસ્પર વિરોધી નિવેદનોથી નાટોના અન્ય દેશોના નેતાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. જો કે, પલ પલમાં બદલાતા પ્રમુખના આ નિવેદનોથી એટલું તો સ્પષ્ટ છે કે ઇરાન સરહદે સ્થિતિ ગમે તેટલી ગંભીર હોય, વ્હાઇટ હાઉસના વડા માટે આ બધું કદાચ કોઈ રાજકીય રમતથી વિશેષ નથી.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
