<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

'વર્લ્ડ થેલેસેમિયા ડે' : માત્ર કુંડળી મિલાવવી પૂરતી નથી, સુખી દંપતી જીવન માટે 'બ્લડ ટેસ્ટ' પણ છે જરૂરી: લગ્ન પહેલાં થેલેસેમિયાની તપાસ કરાવવા ડોક્ટરોની ગંભીર સલાહ

એક નાનકડી ભૂલ સંતાનને આપી શકે છે આજીવન પીડા: જો ભાવિ જીવનસાથી બંને 'થેલેસેમિયા કેરિયર' હોય તો બાળકમાં ગંભીર બીમારીનું જોખમ, જાણો શા માટે મેડિકલ રિપોર્ટ છુપાવવો ઘાતક સાબિત થઈ શકે છે

નવી દિલ્હી: તા.૦૮ ભારતીય સમાજમાં લગ્ન પહેલાં ગ્રહોની ચાલ, કુંડળી, જ્ઞાતિ અને કમાણી પર જેટલો ભાર મૂકવામાં આવે છે, તેટલો જ ભાર હવે સ્વાસ્થ્ય તપાસ પર મૂકવો સમયની માંગ બની ગઈ છે. આજે 8 મે એટલે કે 'ઇન્ટરનેશનલ થેલેસેમિયા ડે' (International Thalassaemia Day) પર ડોક્ટરો યુવા પેઢીને ચેતવણી આપી રહ્યા છે કે લગ્ન પહેલાં એક સાધારણ બ્લડ ટેસ્ટ કરાવવો અત્યંત અનિવાર્ય છે. ખાસ કરીને થેલેસેમિયા જેવી આનુવંશિક બીમારીઓ વિશેની માહિતી માત્ર એક રિપોર્ટથી જાણી શકાય છે, જે ભાવિ સંતાનોના જીવનને સુરક્ષિત બનાવી શકે છે.
બેંગલુરુના નારાયણ હેલ્થ સિટીના ડો. શરત દામોદરના જણાવ્યા અનુસાર, થેલેસેમિયા લોહી સાથે જોડાયેલી એવી બીમારી છે જે માતા-પિતા દ્વારા બાળકોમાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે જે વ્યક્તિ થેલેસેમિયા 'કેરિયર' (વાહક) હોય છે, તે જોવામાં એકદમ સ્વસ્થ હોય છે અને તેની સામાન્ય જિંદગીમાં કોઈ તકલીફ હોતી નથી. પરંતુ જ્યારે બે 'કેરિયર' વ્યક્તિઓ લગ્ન કરે છે, ત્યારે તેમના બાળકને 'થેલેસેમિયા મેજર' થવાની ૨૫ ટકા શક્યતા રહે છે. આ સ્થિતિમાં બાળકને જીવંત રાખવા માટે આખી જિંદગી વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે.
આધુનિક સમયમાં મોટા શહેરોની સાથે હવે નાના શહેરોમાં પણ 'પ્રી-મેરિટલ સ્ક્રીનિંગ' (લગ્ન પૂર્વેની તપાસ)નો ટ્રેન્ડ વધી રહ્યો છે. જાગૃત યુવા પેઢી હવે ડિગ્રીની સાથે મેડિકલ રિપોર્ટને પણ પ્રાધાન્ય આપી રહી છે. જોકે, હજુ પણ સમાજમાં આ બીમારીને લઈને અનેક ગેરસમજો પ્રવર્તે છે. લોકો ઘણીવાર 'કેરિયર' હોવાનો અર્થ બીમાર હોવો એવો સમજી લે છે, જેના ડરથી ઘણા પરિવારો રિપોર્ટ છુપાવે છે. ડોક્ટરો સ્પષ્ટ કરે છે કે 'કેરિયર' હોવું એ કોઈ શરમની વાત નથી, પરંતુ તેની જાણકારી હોવી એ જવાબદારી છે.
ઈરાન અને સાયપ્રસ જેવા દેશોએ લગ્ન પહેલાં ફરજિયાત ટેસ્ટિંગ અને કાઉન્સિલિંગ દ્વારા આ બીમારી પર ઘણો કાબૂ મેળવ્યો છે. ભારતમાં પણ હવે મેટ્રિમોનિયલ પ્રોફાઈલમાં લોકો ઈમાનદારીથી પોતાના બ્લડ ગ્રુપ અને હેલ્થ સ્ટેટસની વિગતો આપતા થયા છે. લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારોના ભવિષ્યનો પાયો છે. તેથી, કુંડળીના ગ્રહો મિલાવવાની સાથે વૈજ્ઞાનિક તપાસ કરાવીને પારદર્શિતા રાખવી એ આવનારી પેઢી માટે સૌથી મોટી ભેટ સાબિત થશે.

(5:07 PM IST)