<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર હવે ભારતીય ટેકનોલોજીનો દબદબો: TCS એ JFK એરપોર્ટના $19-બિલિયનના મહત્વાકાંક્ષી ટર્મિનલ પ્રોજેક્ટ માટે જીત્યો ટેક-મેન્ડેટ!

ન્યૂયોર્કનું 'ન્યૂ ટર્મિનલ વન' બનશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ; પેસેન્જર સુવિધા અને સુરક્ષામાં TCS ના પ્લેટફોર્મ સ્થાપશે નવા માપદંડો

ન્યૂયોર્ક : ભારતીય આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ વૈશ્વિક મંચ પર ફરી એકવાર ડંકો વગાડ્યો છે. ન્યૂયોર્કના પ્રખ્યાત જોન એફ. કેનેડી (JFK) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નિર્માણ પામી રહેલા અત્યાધુનિક 'ન્યૂ ટર્મિનલ વન' માટે TCS ને ટેકનોલોજી અને નવીનતાનો મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પોર્ટ ઓથોરિટી ઓફ ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના વિશાળ $19-બિલિયનના પુનઃવિકાસનો એક મુખ્ય ભાગ છે.

આ કરાર હેઠળ, TCS આ ટર્મિનલના સંપૂર્ણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડિઝાઇન અને સંચાલિત કરશે. જેમાં પેસેન્જર પ્રોસેસિંગ સિસ્ટમ્સ, સાયબર સુરક્ષા, એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કામગીરીનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે માત્ર એક ઇમારત નહીં, પરંતુ એક 'સ્માર્ટ ટર્મિનલ' હશે, જે મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે.

AI અને ઓટોમેશનથી બદલાશે મુસાફરીનો અનુભવ

TCS ના નિષ્ણાતો તેમના જાણીતા 'કોગ્નિક્સ' અને 'ઇગ્નીયો' પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એરપોર્ટની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવશે. આ ટેકનોલોજી દ્વારા બેગેજ હેન્ડલિંગથી લઈને ટર્મિનલ સુરક્ષા સુધીની તમામ માહિતી રીઅલ-ટાઇમમાં એરલાઇન્સને મળશે. TCS ના ઉત્તર અમેરિકાના પ્રમુખ અમિત બજાજે જણાવ્યું હતું કે, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખાસ કરીને મુસાફરોની અવરજવરને સુગમ બનાવવા અને ડિજિટલ સિસ્ટમ્સને મજબૂત કરવા માટે કરવામાં આવશે.

'ન્યૂ ટર્મિનલ વન' ના સીઈઓ જેનિફર ઓમેન્ટે આ ભાગીદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, "TCS અમારી સાથે હોવાથી અમે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટમાં સ્થાન મેળવવાની આશા રાખીએ છીએ. આ પ્રોજેક્ટ અમારી ભાગીદાર એરલાઇન્સ અને તેમના ગ્રાહકો માટે પરિવર્તનશીલ અનુભવ સાબિત થશે."

વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે TCS ની વધતી પકડ

TCS નો આ પ્રોજેક્ટ કંપનીના ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટ અને હોસ્પિટાલિટી બિઝનેસ માટે એક મોટી સફળતા છે. અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને એરલાઇન્સ સાથે કામ કરી ચૂકેલી TCS હવે એરપોર્ટ મેનેજમેન્ટમાં AI અને ઓટોમેશનના ઉપયોગમાં અગ્રણી બની રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં $30 બિલિયનથી વધુની આવક મેળવનાર TCS, આ પ્રોજેક્ટ દ્વારા સાબિત કરી રહી છે કે ભારતીય ટેક કંપનીઓ હવે ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ JFK એરપોર્ટ વિશ્વના સૌથી આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ એરપોર્ટ તરીકે ઓળખાશે.

(8:31 PM IST)