<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વિશ્વની નજર 4 જુલાઈ પર: એક તરફ અમેરિકાનો આઝાદી ઉત્સવ, બીજી તરફ ઈરાનના સુપ્રિમ લીડરની અંતિમ સફર!

ખામેનેઈના અંતિમ સંસ્કાર હવે અમેરિકાના સ્વતંત્રતા દિવસે જ યોજાશે : તેહરાનથી લઈને વોશિંગ્ટન સુધી જબરો રાજકીય તણાવ

વોશિંગ્ટન:  આ વર્ષની 4 જુલાઈ વૈશ્વિક ઇતિહાસના પાના પર એક અનોખા સંયોગ તરીકે નોંધાવા જઈ રહી છે, કારણ કે આ દિવસે આખું વિશ્વ બે વિરોધાભાસી ચિત્રોનું સાક્ષી બનશે. એકતરફ વ્હાઇટ હાઉસ અને સમગ્ર અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં ભવ્ય આતશબાજી સાથે પોતાનો 250મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું હશે, તો બીજી તરફ તેનો કટ્ટર દુશ્મન દેશ ઈરાન પોતાના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈને ભીની આંખે અંતિમ વિદાય આપશે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલા ખામેનેઈના અંતિમ સંસ્કાર યુદ્ધની સ્થિતિને કારણે અત્યાર સુધી રોકી રાખવામાં આવ્યા હતા. હવે અમેરિકાના જ આઝાદીના દિવસે આ મહા-અંતિમયાત્રા શરૂ કરીને ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટો પ્રતીકાત્મક અને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મધ્ય-પૂર્વ (વેસ્ટ એશિયા)માં મહિનાઓ સુધી ચાલેલા ભીષણ સંઘર્ષ બાદ તાજેતરમાં જ યુએસ અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં ડિજિટલ એમઓયુ (MoUs) દ્વારા શાંતિ કરારની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ તણાવ હજુ પણ ચરમસીમાએ છે. યુદ્ધની આકરી થાપટો અને ભારે આર્થિક નુકસાન વેઠ્યા પછી પણ ઈરાને પોતાના પરમાણુ પ્રોગ્રામ, યુરેનિયમ સંવર્ધન કે બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ્સ પર કોઈ બાંધછોડ કરી નથી. સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ખામેનેઈની વિદાય બાદ પણ ઈરાનનું વલણ નરમ પડ્યું નથી, જેના કારણે અમેરિકા આ ક્ષેત્રમાં પોતાના મુખ્ય સૈન્ય લક્ષ્યોને પૂર્ણપણે હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ખામેનેઈના ઉત્તરાધિકારી અને તેમના પુત્ર મોજતબા ખામેનેઈ સત્તા સંભાળતા જ વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે, જે ટ્રમ્પ વહીવટીતંત્ર માટે આગામી મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા વિદેશ નીતિનો સૌથી મોટો પડકાર બની ગયો છે.

આ ઐતિહાસિક અને સંવેદનશીલ પ્રસંગે ભારતની રાજદ્વારી ભૂમિકા પર પણ આખી દુનિયાની નજર મંડાયેલી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પીએમ નરેન્દ્ર મોદીને આ અંતિમ સંસ્કારમાં સામેલ થવા સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે, જેના ભાગરૂપે ભારત તરફથી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 4 જુલાઈથી તેહરાનના ગ્રાન્ડ મોસલ્લાથી શરૂ થઈને આગામી દિવસોમાં આ યાત્રા પવિત્ર શહેર કૂમ અને ત્યારબાદ ઈરાકના નજીફ-કર્બલા થઈને 9 જુલાઈએ ખામેનેઈના વતન મશહદ ખાતે પૂર્ણ થશે, જ્યાં ઈમામ રેઝા દરગાહમાં તેમને દફનાવવામાં આવશે. આ ભવ્ય અંતિમ સંસ્કારમાં લગભગ 2 કરોડથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે, જે માત્ર મધ્ય-પૂર્વના રાજકારણને જ નહીં, પરંતુ ભવિષ્યના વૈશ્વિક ઈંધણ અને વ્યાપારી સમીકરણોને પણ એક નવી દિશા આપશે.

(5:38 PM IST)