તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
હૈદરાબાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમઃ મોટેરાથી હશે વિશાળ
તેલંગાણા સરકાર અને BCCIના સહયોગથી ૧૦૦ એકર જમીન પર રૂા.૧,૦૦૦ થી રૂા.૧,૫૦૦ કરોડના ખર્ચે આ મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ એરેના ભારત ફયૂચર સિટીમાં આકાર લેશે : ૧.૩૨ લાખથી વધુ દર્શકોની ક્ષમતાઃ ડિસેમ્બર ૨૦૨૬માં ખાતમુહૂર્ત થવાની સંભાવના છે, જે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ પાછળ છોડી દેશે

હૈદરાબાદ તા.૩: હૈદરાબાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તે ૧.૩૨ લાખથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતું મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ એરેના હશે, જેને તેલંગાણા સરકાર અને બીસીસીઆઈ (BCCI) સાથે મળીને બનાવશે. આ સ્ટેડિયમનું નિર્માણ અંદાજે ૧૦૦ એકર જમીન પર કરવામાં આવશે. અહીં આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ, મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત સમારોહ અને વિશાળ કન્વેન્શન યોજવા માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ હશે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ભારત ફયૂચર સિટીમાં આ અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે, જે દર્શક ક્ષમતાની દ્રષ્ટિએ ગુજરાતના અમદાવાદ સ્થિત મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ પાછળ છોડી દેશે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના વિઝન હેઠળના આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ડિસેમ્બર ૨૦૨૬માં થવાની સંભાવના છે.
જમીન અને ખર્ચઃ ૧૦૦ એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમના નિર્માણ પાછળ રૂા.૧,૦૦૦ થી રૂા.૧,૫૦૦ કરોડનો અંદાજિત ખર્ચ થશે. તેલંગાણા સરકાર જમીન પૂરી પાડશે, જ્યારે નિર્માણનો તમામ ખર્ચ અને ભવિષ્યની જાળવણી BCCI દ્વારા કરવામાં આવશે.
જરૂરિયાતઃ હાલમાં હૈદરાબાદના ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની ક્ષમતા મર્યાદિત હોવાથી વર્લ્ડ કપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચો માટે વિશાળ સ્ટેડિયમની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.
ફયૂચર સિટીમાં બનનારું આ સ્ટેડિયમ આઉટર રિગ રોડ, પ્રસ્તાવિત રીજનલ રિગ રોડ, મેટ્રો રેલ અને શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ખૂબ નજીક હશે. તેનાથી દેશ-વિદેશના દર્શકો માટે અહીં પહોંચવું અત્યંત સરળ બનશે, અને રાજ્યમાં રમતગમત પ્રવાસન (Sports Tourism) ને મોટો વેગ મળશે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
