<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ઓસ્ટ્રેલિયા જવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર: વિઝા મંજૂરી દર 84.9%થી ઘટીને માત્ર 49.1% પર પહોંચ્યો, VET કોર્સમાં સ્થિતિ વધુ કપરી

ઓસ્ટ્રેલિયાનું 2027માં 2,95,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારવાનું લક્ષ્ય, પરંતુ 20 નવેમ્બર સુધી માત્ર 44,900 વિદ્યાર્થીઓ પાસે જ માન્ય વિઝા; જુલાઈ-સપ્ટેમ્બર 2026માં ભારતીય અરજદારોમાંથી અડધાથી પણ ઓછાને વિઝા મળ્યા, સંસ્થાની પસંદગી અને 'મિનિસ્ટિરિયલ ડિરેક્શન 115' બન્યું નિર્ણાયક

મેલબોર્ન, તા. ૨૭: ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનું સપનું જોઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયા હવે વધુ કડક અને પડકારજનક બની રહી છે. ઓસ્ટ્રેલિયન સરકારે વર્ષ 2027 માટે 2,95,000 નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશનું 'નેશનલ પ્લાનિંગ લેવલ' (NPL) જાળવી રાખ્યું છે, પરંતુ પ્રારંભિક ભરતી અને વિઝા આંકડાઓએ શિક્ષણ ક્ષેત્રે અનિશ્ચિતતા ઊભી કરી છે. 26 નવેમ્બરે જાહેર કરાયેલા આંકડા મુજબ, 20 નવેમ્બર સુધીમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે માત્ર 44,900 સંભવિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસે જ સક્રિય સ્ટુડન્ટ વિઝા હતા, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂરી દરમાં મોટો કડાકો નોંધાયો છે.

ઓસ્ટ્રેલિયન ગૃહ બાબતોના વિભાગ (Department of Home Affairs) ના જુલાઈ-સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ડેટા મુજબ, ભારતમાંથી (ઓફશોર) ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો વિઝા ગ્રાન્ટ દર ઘટીને માત્ર 49.1 ટકા રહ્યો છે, જે વર્ષ 2025ના સમાન ગાળામાં 84.9 ટકા હતો. એટલે કે અડધાથી પણ ઓછા અરજદારોને વિઝા મળ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદરથી (ઓનશોર) અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓનો ગ્રાન્ટ દર 86.4 ટકા નોંધાયો છે. વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ (VET) અભ્યાસક્રમો માટે સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં ભારતીય અરજદારો માટે ઓફશોર વિઝા મંજૂરી દર ઘટીને માત્ર 13 ટકા પર આવી ગયો છે.

આ ફેરફાર પાછળ 'મિનિસ્ટિરિયલ ડિરેક્શન 115' હેઠળ લાગુ કરાયેલી સંસ્થાકીય ફાળવણી (quotas) અને અગ્રતા પ્રણાલી મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ નિયમ મુજબ જે શિક્ષણ સંસ્થાઓ તેમની નિર્ધારિત ફાળવણીના 80 ટકા સુધી પહોંચે છે તેમની અરજીઓ 'પ્રાયોરિટી 2' માં અને 115 ટકા સુધી પહોંચે ત્યારે 'પ્રાયોરિટી 3' માં ધકેલાય છે, જેનાથી વિઝા પ્રક્રિયાની ઝડપ પર અસર પડે છે. 20 નવેમ્બર સુધીમાં જાહેર યુનિવર્સિટીઓ સામૂહિક રીતે તેમના 2027ના ક્વોટાના 19 ટકા સુધી પહોંચી હોવાથી પ્રાયોરિટી 1માં રહી છે, પરંતુ આઠ ઉચ્ચ શિક્ષણ પ્રદાતાઓ પ્રાયોરિટી 2માં અને ત્રણ સંસ્થાઓ પ્રાયોરિટી 3માં પહોંચી ગઈ છે.

ફેબ્રુઆરી 2027ના ઇન્ટેકની તૈયારી કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે માત્ર યુનિવર્સિટીની ઓફર લેટર મેળવવી પૂરતી નથી, પરંતુ સંસ્થાની વિઝા અગ્રતા સ્થિતિ, અગાઉના શિક્ષણ સાથે અભ્યાસક્રમની સુસંગતતા, મજબૂત 'જેન્યુઇન સ્ટુડન્ટ સ્ટેટમેન્ટ' અને સચોટ નાણાકીય દસ્તાવેજો રજૂ કરવા અત્યંત નિર્ણાયક બની ગયા છે.

(5:04 PM IST)