<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ક્યુબામાં ઇતિહાસનું સૌથી ભયાનક ઇંધણ સંકટ : આખા દેશમાં બ્લેક આઉટ :લોકોને ભારે હાલાકી

રાજધાની હવાના સહિત સમગ્ર દેશમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો: દેશ પાસે હવે ઈંધણનો કોઈ જ રિઝર્વ સ્ટોક બચ્યો નથી

 કેરેબિયન દેશ ક્યુબા હાલ તેના ઈતિહાસના સૌથી ભયાનક ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. દેશમાં ડીઝલ અને ફ્યુઅલ ઓઈલનો સ્ટોક સંપૂર્ણપણે ખતમ થઈ જતાં સરકારે સત્તાવાર રીતે 'બ્લેકઆઉટ'ની સ્થિતિ જાહેર કરી છે. આ સંકટને કારણે રાજધાની હવાના સહિત સમગ્ર દેશમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેને છેલ્લા કેટલાક દાયકાઓનું સૌથી ખરાબ પાવર ક્રાઈસિસ માનવામાં આવે છે.

ક્યુબાના ઊર્જા મંત્રી વિસેન્ટે ડે લા ઓએ સરકારી મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે કે દેશ પાસે હવે ઈંધણનો કોઈ જ રિઝર્વ સ્ટોક બચ્યો નથી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય વીજ ગ્રીડ અત્યંત નાજુક સ્થિતિમાં છે. હાલમાં દેશનું પાવર ગ્રીડ માત્ર સ્થાનિક સ્તરે ઉત્પાદિત કાચું તેલ, કુદરતી ગેસ અને રિન્યુએબલ એનર્જીના મર્યાદિત સ્ત્રોતો પર ટકી રહ્યું છે.

વીજળીના અભાવે સામાન્ય નાગરિકોની સ્થિતિ દયનીય બની છે. અહેવાલો અનુસાર ઘણા વિસ્તારોમાં દરરોજ 20 થી 22 કલાક સુધી વીજ કાપ ઝીંકવામાં આવી રહ્યો છે. ખાદ્ય સામગ્રી, જીવનરક્ષક દવાઓ અને ઈંધણની અછત પહેલાથી જ હતી, જે હવે વીજળી વિના વધુ વણસી છે. સોલર પાવર ક્ષમતામાં 1,300 મેગાવોટનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં, ગ્રીડની અસ્થિરતાને કારણે તેનો પૂરતો લાભ મળી રહ્યો નથી.

ક્યુબાની આર્થિક કમર તોડવામાં આંતરરાષ્ટ્રીય સમીકરણોએ મોટી ભૂમિકા ભજવી છે. અગાઉ મેક્સિકો અને વેનેઝુએલા જેવા દેશો ક્યુબાને તેલ સપ્લાય કરતા હતા. જોકે, જાન્યુઆરી 2026માં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટી આદેશો બાદ આ દેશોએ ક્યુબાને ઈંધણ મોકલવાનું બંધ કરી દીધું છે.

વર્તમાન પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ક્યુબા સરકારે જાહેરાત કરી છે કે જે પણ દેશ તેમને ઈંધણ વેચવા તૈયાર હશે, તેઓ તેની પાસેથી ખરીદી કરવા તૈયાર છે. આર્થિક પ્રતિબંધો અને ઘટતા વિદેશી હૂંડિયામણ વચ્ચે ક્યુબા હવે અન્ય દેશો તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે જેથી આ અંધારપટમાંથી બહાર આવી શકાય.

(7:07 PM IST)