<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ગ્લોબલ ડિપ્લોમેસીમાં સળવળાટ: અમેરિકા-ઈરાન ડીલની વિગતો છુપાવવા પાછળ પાકિસ્તાનનો હાથ: શાહબાઝ શરીફને કયો ડર સતાવી રહ્યો છે?

જેડી વાન્સના સનસનાટીભર્યા ખુલાસાથી ઇસ્લામાબાદમાં હડકંપ, સોદો જાહેર થતાં જ ઇઝરાયલી લોબીના દબાણ હેઠળ ટ્રમ્પ પાછા હટી જશે તો મધ્યસ્થી બનેલા પાકિસ્તાન અને કતારની મહેનત પાણીમાં જવાનો ભય

ઇસ્લામાબાદ: વૈશ્વિક રાજનીતિના મંચ પર આ દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના સંભવિત ઐતિહાસિક કરાર (MOU) ને લઈને ભારે સસ્પેન્સ અને ડ્રામા ચાલી રહ્યો છે. આ મહાસોદાનો સત્તાવાર ટેક્સ્ટ જાહેર થવામાં થઈ રહેલા વિલંબ પાછળ હવે પાકિસ્તાન અને કતારનો હાથ હોવાનું સામે આવ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ છેડાયો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે 'સીબીએસ ન્યૂઝ' ને આપેલા ઇન્ટરવ્યુમાં સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે, સોદાની વિગતો જાહેર કરવામાં વિલંબ માટે પાકિસ્તાન અને કતારના મધ્યસ્થીઓ સીધા જવાબદાર છે, જેમણે અમેરિકાને આ સોદાનો સંપૂર્ણ ટેક્સ્ટ હાલ જાહેર ન કરવા માટે દબાણ કર્યું છે. અમેરિકી વહીવટીતંત્ર ઈચ્છે છે કે સોદાની વિગતો તાત્કાલિક જનતા સમક્ષ આવે, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ દસ્તાવેજો અત્યારે જાહેર થવાના ડરથી કાંપી રહ્યા છે.

આ ગભરાટ પાછળનું અસલી કારણ આ કરારની અંદર છુપાયેલી ઈરાનની કેટલીક મોટી વ્યાૂહાત્મક જીત હોવાનું માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર લીક થઈ રહેલી વિગતો મુજબ, જો આ ડીલ સત્તાવાર રીતે હસ્તાક્ષર થાય તે પહેલાં જ જાહેર થઈ જાય, તો અમેરિકાની અંદર અને ખાસ કરીને કટ્ટર સાથી એવા ઇઝરાયલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિરોધનો પ્રચંડ જ્વાળામુખી ફાટી નીકળી શકે છે. ઇઝરાયલી લોબીના અતિશય દબાણ હેઠળ આવીને કદાચ ટ્રમ્પને આ સોદો અધવચ્ચે જ રદ કરવાની ફરજ પડી શકે છે. પાકિસ્તાન અને કતારે આ સોદો પાર પાડવા માટે પડદા પાછળ મહિનાઓ સુધી તનતોડ મહેનત કરી છે, તેથી શાહબાઝ શરીફ કોઈ પણ એવું જોખમ લેવા માંગતા નથી જેનાથી ફાઈનલ સ્ટેજ પર પહોંચેલી આ વૈશ્વિક ડીલ પાટા પરથી ઉતરી જાય.

આ સોદાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આના હેઠળ ઈરાનને અંદાજે ૩૦૦ બિલિયન ડોલર (આશરે ૨૨૩.૭ બિલિયન પાઉન્ડ) નું જંગી 'પુનર્નિર્માણ ભંડોળ' મળવાની આશા છે. જોકે, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ જંગી રકમ અમેરિકા પોતાની તિજોરીમાંથી નહીં, પરંતુ ગલ્ફ દેશોમાં રહેલા તેના અમીર સાથીઓ દ્વારા ઈરાનને અપાવશે. સાથોસાથ તેમણે કડક ચેતવણી પણ આપી છે કે જ્યાં સુધી ઈરાન વિશ્વ પ્રત્યેના પોતાના આતંકવાદી અને આક્રમક વર્તનમાં મૂળભૂત ફેરફાર નહીં કરે, ત્યાં સુધી આ ફંડમાંથી એક પણ ડોલર તેને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. હવે આખા વિશ્વની નજર શુક્રવાર પર મંડાયેલી છે, જ્યારે આ ડીલનો ઓફિશિયલ ટેક્સ્ટ દુનિયાની સામે આવશે અને પાકિસ્તાનનો અસલી ચહેરો પણ બેનકાબ થશે.

(11:15 PM IST)