તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
કરીના કપૂરના ૩૦ કેરેટના પન્ના પેન્ડન્ટ વિવાદમાં લેખિકા તસ્લીમા નસરીને કર્યું ખુલ્લું સમર્થન, માફી માંગવાની જરૂર નથી
દિવાળીના અવસરે કુરાનની આયત લખેલું પેન્ડન્ટ પહેરવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે અભિનેત્રીના પક્ષમાં અવાજ ઉઠાવતા ધાર્મિક રૂઢિચુસ્તતા પર સવાલો ઉઠાવ્યા.

મુંબઈ : બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ૩૦ કેરેટના પન્ના જડિત અને કુરાનની આયત 'આયતુલ કુર્સી' કોતરવામાં આવેલા પૌરાણિક પેન્ડન્ટને પહેરવાને લઈને ઊભેલા વિવાદમાં હવે પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીન ખુલ્લેઆમ અભિનેત્રીના સમર્થનમાં આગળ આવ્યા છે.
આ મામલે કોંગ્રેસ નેતા અબ્બાસ હફીઝ દ્વારા કરીના કપૂર અને તેમની સ્ટાઇલિસ્ટ રિયા કપૂરને કાનૂની નોટિસ ફટકારવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પરથી તસવીરો હટાવીને માફી માંગવાની માંગ કરાઈ હતી, જેના જવાબમાં તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સ્પષ્ટ જણાવ્યું છે કે કરીનાએ કોઈ માફી માંગવાની જરૂર નથી.
તસ્લીમા નસરીને પોતાના નિવેદનમાં ધર્મના નામે મહિલાઓના પહેરવેશ, શરીર અને તેમની અંગત પસંદગીઓમાં દખલગીરી કરતી માનસિકતાની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે જો કોઈ મહિલા પોતાની મરજીથી કોઈ ઘરેણું પહેરે તો તેને ગુનેગાર ઠેરવવી યોગ્ય નથી.
આ વિવાદિત ઘરેણા વિશે રિયા કપૂરે ખુલાસો કર્યો હતો કે આ પેન્ડન્ટ ભોપાલના પૂર્વ શાહી પરિવારનું અંદાજે ૨૦૦ વર્ષ જૂનું ખાનદાની વારસાગત ઘરેણું છે, જે સૈફ અલી ખાનના પરિવાર મારફતે કરીના સુધી પહોંચ્યું છે અને તે શાહી પરંપરા સાથે જોડાયેલું છે.
લેખિકાએ કટાક્ષ કરતા સવાલ ઉઠાવ્યો હતો કે સમાજમાં પન્ના પર કોતરવામાં આવેલા કેટલાક શબ્દોની પવિત્રતાની ચિંતા કરનારા લોકો જીવતા-જાગતા માનવીના સન્માન અને તેની વ્યક્તિગત સ્વતંત્રતાની અવગણના કેમ કરે છે, અને શા માટે બળજબરીથી માફી મગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કાનૂની નોટિસ અને વિવાદ બાદ હજુ સુધી કરીના કપૂર કે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ બૌદ્ધિક અને સામાજિક વર્તુળોમાં આ મુદ્દે ચર્ચાઓનો દોર જોરશોરથી ચાલી રહ્યો છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
