<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

બાંગ્લાદેશમાં આયોજિત સેમિનારમાં ભારતનો ખોટો નકશો રજૂ કરાયો: ભારતીય રાજદૂતે ત્વરિત વિરોધ નોંધાવી કહ્યું, 'જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે'

​ઢાકા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભૂલભરેલા નકશાના પ્રદર્શનથી વિવાદ: પૂર્વ રાજદૂતના પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય સેકન્ડ સેક્રેટરી પૂજા કુમારી ઝાએ ઉઠાવ્યો સવાલ, સભાખંડમાં જ અપા્યો સ્પષ્ટ અને મક્કમ જવા

​ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સેમિનાર દરમિયાન ભારતની પ્રાદેશિક અખંડિતતાને લઈને એક વિવાદિત કિસ્સો સામે આવ્યો છે. 'બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ' (BIISS) દ્વારા આયોજિત આ સેમિનારમાં જ્યારે ભારતનો એક નકશો પ્રદર્શિત કરવામાં આવ્યો, જેમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ ગંભીર ભૂલ સામે ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી પૂજા કુમારી ઝાએ તત્કાલ સભાખંડમાં જ ઉભા થઈને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

​શું હતી સમગ્ર ઘટના?

ઢાકા ખાતે 'રીબિલ્ડિંગ ટ્રસ્ટ, રિન્યુઈંગ રિજનલ ઈન્ટિગ્રેશન: પાથવેઝ ફોર રિવાઈટલાઈઝિંગ સાર્ક' વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાંગ્લાદેશના ભારતમાં રહેલા પૂર્વ હાઈ કમિશનર તારિક એ. કરીમ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા. પોતાના કી-નોટ એડ્રેસ (મુખ્ય ઉદ્બોધન) દરમિયાન તેમણે એક નકશો સ્ક્રીન પર મૂક્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવવામાં આવ્યું હતું.

​આ દ્રશ્ય જોતા જ પ્રેક્ષકોમાં બેઠેલા ભારતીય રાજદૂત પૂજા કુમારી ઝાએ તરત જ હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અહીં જે નકશો દર્શાવવામાં આવ્યો છે તે ખોટો છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. આ રીતે નકશામાં ફેરફાર કરીને રજૂ કરવું અસ્વીકાર્ય છે."

​પૂર્વ રાજદૂતે કરી સફાઈ

ભારતીય રાજદૂત દ્વારા નોંધાવવામાં આવેલા આ આકરા વિરોધ બાદ તારિક એ. કરીમ સફાઈ આપતા જણાવ્યું હતું કે, "આ નકશો માત્ર પ્રતિનિધિત્વ (representational) હેતુ માટે વાપરવામાં આવ્યો છે, તેનો અર્થ એ નથી કે તે વાસ્તવિક સરહદો દર્શાવે છે." જોકે, તેમની આ સ્પષ્ટતા છતાં ભારતીય રાજદૂતે ભારતના મક્કમ વલણને ફરીથી દોહરાવ્યું હતું અને નકશામાં થયેલી ભૂલ તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું હતું.

​આ કાર્યક્રમમાં બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા ઓબેદ પણ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. કાર્યક્રમના આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત દ્વારા લેવાયેલા આ મક્કમ વલણની અને રાજદૂત પૂજા કુમારી ઝાની ત્વરિત કાર્યવાહીની સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા થઈ રહી છે. દૂતાવાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને કોઈપણ વૈશ્વિક મંચ પર ભારતની પ્રાદેશિક અખંડિતતા સાથે જોડાયેલી બાબતોમાં ક્યારેય બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો સંદેશ આપ્યો છે.


​આ અગાઉ પણ નેપાળ એરલાઇન્સ દ્વારા સમાન ભૂલ કરવામાં આવી હતી, ત્યારબાદ આવી ઘટનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી અને ભૌગોલિક સંવેદનશીલતાને ફરી એકવાર ચર્ચામાં લાવે છે.

(12:39 PM IST)