<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

અમેરિકામાં છટણીનો કોરડો વીંઝતા જ Xbox ના ભારતીય મૂળના CEO આશા શર્મા ભારે ટ્રોલ: 'અમેરિકનોની નોકરીઓ ચોરી કરવાનો' લાગ્યો ગંભીર આરોપ!

માઇક્રોસોફ્ટ હસ્તકની Xbox માં ૩,૨૦૦ કર્મચારીઓની હકાલપટ્ટીથી વિવાદ વકર્યો: સોશિયલ મીડિયા પર H-1B વિઝા અને પક્ષપાતી ભરતી મુદ્દે અમેરિકનોનો રોષ ફાટી નીકળ્યો

વોશિંગ્ટન,: ટેક જગતમાં હાલમાં જ Xbox ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત થયેલા ભારતીય મૂળના આશા શર્મા અત્યારે અમેરિકન નાગરિકો અને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયા છે. તાજેતરમાં (૬ જુલાઈ) આશા શર્માએ કંપનીના વ્યાપક AI-આધારિત પુનર્ગઠનના ભાગરૂપે ૩,૨૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. Xbox નો બિઝનેસ હાલમાં નફાકારક ન હોવાનું જણાવીને લેવાયેલા આ આકરા નિર્ણય બાદ, અમેરિકાના જોબ માર્કેટમાં ભારે હોબાળો મચી ગયો છે અને આશા શર્મા પર 'અમેરિકનોની નોકરીઓ છીનવીને ભારતીયોને આપવાનો' સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
X (ટ્વિટર) પર યુએસ લેબર માર્કેટ અંગે નજર રાખતા લોકપ્રિય હેન્ડલ્સે આશા શર્મા પર આકરા પ્રહારો કર્યા છે. વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરાયો છે કે, "Xbox ના ભારતીય મૂળના CEO આશા શર્માએ ૩,૨૦૦ અમેરિકનોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, જ્યારે આ જ વર્ષે તેમણે ૫,૦૦૦ H-1B વિઝા કામદારોની ભરતી માટે અરજી કરી છે." આ ટ્વીટ બાદ અમેરિકન યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે એકવાર કોઈ ભારતીય ઉચ્ચ પદ પર આવે છે, ત્યારે તે વ્યવસ્થિત રીતે અમેરિકનોને કાઢીને પોતાના જ પ્રદેશના ભારતીયોને વિઝા કે ઓફશોરિંગ પાઇપલાઇન દ્વારા નોકરી પર રાખવાનું શરૂ કરી દે છે. જોકે, સત્તાવાર આંકડા મુજબ માઇક્રોસોફ્ટે આ વર્ષે માત્ર ૨,૨૭૩ H-1B વિઝા અરજીઓ જ ફાઇલ કરી છે, જે એમેઝોન અને ઇન્ફોસિસ કરતાં ઘણી ઓછી છે, તેમ છતાં ટ્રોલિંગ અટકવાનું નામ નથી લઈ રહ્યું.
કોણ છે આશા શર્મા?
૧૯૮૯માં અમેરિકાના વિસ્કોન્સિનમાં જન્મેલા આશા શર્માની જીવનયાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે. તેમની માતાએ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં કામ કરીને તેમને મોટા કર્યા છે અને કિશોરાવસ્થામાં આશાએ પોતે ગોલ્ફ કોર્સમાં કામ કર્યું હતું. ૨૦૧૧માં મિનેસોટા યુનિવર્સિટીમાંથી બિઝનેસ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ માઇક્રોસોફ્ટ, મેટા (ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટના પ્રોડક્ટ હેડ) અને ઇન્સ્ટાકાર્ટના COO તરીકે શાનદાર ઇનિંગ રમી ચૂક્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાડેલાએ તેમને Xbox ની કમાન સોંપી હતી.
પોતાના બચાવમાં અને કર્મચારીઓને મોકલેલા સત્તાવાર ઈમેઈલમાં આશા શર્માએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય ખૂબ જ પીડાદાયક પણ બિઝનેસના અસ્તિત્વ માટે અનિવાર્ય હતો. તેમણે જણાવ્યું કે હાલમાં Xbox નો વ્યવસાય સ્વસ્થ નથી અને અન્ય પ્લેટફોર્મ્સની સરખામણીએ અમારું માર્જિન ૩ થી ૧૦ ગણું ઓછું છે. આગામી સમયમાં કંપનીને ફરી બેઠી કરવા માટે ગેમ પાસ અને મલ્ટી-પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પુનર્ગઠન હેઠળ વિખ્યાત ગેમ 'Minecraft' ડેવલપ કરનાર મોજાંગ (Mojang) અને 'Candy Crush' બનાવનાર કિંગ (King) જેવી મોટી બ્રાન્ડ્સ હવે સીધી આશા શર્માને રિપોર્ટ કરશે. આ ઉપરાંત તેમણે હેલેન ચિયાંગને ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે પ્રમોટ કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ આંતરિક ફેરફારો અને અમેરિકનોના વિરોધ વચ્ચે આશા શર્મા આગામી દાયકામાં Xbox ને કેટલી ઊંચાઈએ લઈ જઈ શકે છે.

(6:09 PM IST)