News of Saturday, 2nd May 2026
યુપીમાં જનેતા બની યમદૂત: પતિના પાકિસ્તાની મહિલા સાથેના લગ્નથી ઉશ્કેરાયેલી માતાએ ૪ માસૂમ સંતાનોને ઈંટના ઘા ઝીંકી પતાવી દીધા!
સાઉદી અરેબિયામાં રહેતા પતિએ બીજા લગ્ન કરતા ઘરમાં શરૂ થયો હતો ક્લેશ; ક્રૂરતાની તમામ હદો ઓળંગી માતાએ ૩ પુત્રો અને ૧ પુત્રીની નિર્મમ હત્યા કરી

આંબેડકર નગર: ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં મમતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અકબરપુરના મીરાંપુર વિસ્તારમાં એક માતાએ પોતાના જ ચાર માસૂમ સંતાનોની ઈંટ મારીને નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે બપોરે જ્યારે ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે ચારેય બાળકોના લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા જોનારા લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.
'પાકિસ્તાન કનેક્શન' અને કૌટુંબિક વિખવાદ
આ ભયાનક હત્યાકાંડ પાછળ પતિના બીજા લગ્ન જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી મહિલાનો પતિ નિયાઝ છેલ્લા ઘણા સમયથી સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. અહેવાલો અનુસાર, નિયાઝે ત્યાં એક પાકિસ્તાની મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ બાબતને લઈને ઘરમાં લાંબા સમયથી તણાવ અને ઝઘડા ચાલી રહ્યા હતા. આ માનસિક તણાવ અને આવેશમાં આવીને મહિલાએ તેના ત્રણ પુત્રો શફીક, સઈદ, ઉમર અને પુત્રી અયાન પર ઈંટના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
હત્યા બાદ માતા બાલ્કનીમાંથી ફરાર
ઘટનાની જાણ થતા જ ઉત્તર પ્રદેશ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકોની હત્યા કર્યા બાદ આરોપી માતા ઘરની બાલ્કનીમાંથી કૂદીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે ચારેય બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને હત્યારી માતાને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.
પતિના પાકિસ્તાની મહિલા સાથેના સંબંધોએ કેવી રીતે એક હસતા-રમતા પરિવારનો નાશ કર્યો, તે અત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
