<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

નવા CBI ચીફ પર વિપક્ષના વાંધા બાદ પ્રવીણ સૂદને એક વર્ષનું એક્‍સટેંશન

નવું નામ નક્કી ન થતાં, કેન્‍દ્ર સરકારે ફરી એકવાર પોતાના વિશ્વસનીય અધિકારી પ્રવીણ સૂદ પર જ વિશ્વાસ મૂક્‍યો છે

નવી દિલ્‍હી,તા.૧૪: કેન્‍દ્ર સરકારે સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (CBI)ના ડિરેક્‍ટર પ્રવીણ સૂદના કાર્યકાળને વધારવાનો નિર્ણય લીધો છે. નવા CBI ડિરેક્‍ટર પસંદ કરવા માટે વડાપ્રધાનના નિવાસસ્‍થાને યોજાયેલી હાઈ-પ્રોફાઈલ બેઠક કોઈ નિષ્‍કર્ષ વિના પૂર્ણ થઈ હતી. બેઠકમાં એક બાજુ વડાપ્રધાન અને મુખ્‍ય ન્‍યાયમૂર્તિ હાજર હતા, જ્‍યારે બીજી બાજુ વિપક્ષના નેતા રાહુલ ગાંધી હતા, જેમણે પસંદગી પ્રક્રિયા પર કડક વિરોધ નોંધાવ્‍યો અને પોતાની અસહમતિ પણ લેખિતમાં આપી.

નવું નામ નક્કી ન થતાં, કેન્‍દ્ર સરકારે ફરી એકવાર પોતાના વિશ્વસનીય અધિકારી પ્રવીણ સૂદ પર જ વિશ્વાસ મૂક્‍યો છે. મધ્‍યરાત્રિએ જાહેર થયેલા એક આદેશ પછી, CBI મુખ્‍યાલયની કમાન ફરી એક વર્ષ માટે સૂદના હાથમાં રહી છે. આ માત્ર કાર્યકાળનો વિસ્‍તારો નથી, પણ સત્તા અને વિપક્ષ વચ્‍ચે ચાલી રહેલી દાવપેચની લડાઈનું પરિણામ છે.

બીજી વાર કાર્યકાળમાં વધારો વિપક્ષના વિરોધ છતાં, સરકારે હાલ પ્રવીણ સૂદ પર જ વિશ્વાસ દર્શાવ્‍યો છે. આ બીજો એવો અવસર છે, જ્‍યારે સૂદને સેવા વિસ્‍તારો મળ્‍યો છે. અગાઉ ૨૦૨૫માં પણ તેમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્‍યો હતો. સરકારના આ પગલાને રાજકીય નિરંતરતા તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્‍યારે વિપક્ષ પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાનો આરોપ લગાવી રહ્યો છે.

પસંદગી સમિતિની બેઠકમાં હાલના CBI ડિરેક્‍ટર પ્રવીણ સૂદના ઉત્તરાધિકારીની પસંદગી પર ચર્ચા થઈ હતી. સૂદનો વર્તમાન કાર્યકાળ ૨૫ મે ૨૦૨૬એ પૂર્ણ થવાનો છે. જોકે, અનેક વરિષ્ઠ IPS અધિકારીઓના નામ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પસંદગી પ્રક્રિયા અને માપદંડો પર પ્રશ્ન ઉઠાવ્‍યા અને બેઠક દરમિયાન પોતાની લેખિત અસહમતિ નોંધાવી. નિયમો અનુસાર, CBI ડિરેક્‍ટરની નિમણૂક વડાપ્રધાન, મુખ્‍ય ન્‍યાયમૂર્તિ અને વિપક્ષના નેતા ધરાવતી પેનલ દ્વારા જ કરવામાં આવે છે

(9:57 AM IST)