<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ગઈકાલે ‘ભ્રષ્ટાચારી’ હતા, આજે CM બની ગયા! શુભેન્દુ અધિકારીના રાજ્યાભિષેક પર સંજય રાઉતનો ભાજપ પર તીખો પ્રહાર; ‘વોશિંગ મશીન’ પરંપરા પર સાધ્યું નિશાન

“જેમને પકડવા આંદોલન કર્યું, તેમને જ ગાદી સોંપી”: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ શિવસેના (UBT) નેતાના કટાક્ષથી દેશભરના રાજકારણમાં ગરમાવો

મુંબઈ : પશ્ચિમ બંગાળના રાજકારણમાં શુભેન્દુ અધિકારીને મુખ્યમંત્રી બનાવવાની ભાજપની જાહેરાતે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ નિર્ણય પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. રાઉતે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ પોતાની ‘પરંપરા’ જાળવી રાખવામાં માહિર છે - ખાસ કરીને બીજા પક્ષમાંથી આવેલા અને ભ્રષ્ટાચારના આક્ષેપો ધરાવતા નેતાઓને ઉચ્ચ પદ આપવાની બાબતમાં.
પરંપરા ક્યારેય તૂટતી નથી: સંજય રાઉત
સંજય રાઉતે ટોણો મારતા કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીને ખરેખર અભિનંદન આપવા જોઈએ. તેઓ ક્યારેય પોતાની પરંપરા તોડતા નથી. થોડા વર્ષો પહેલા આ જ શુભેન્દુ અધિકારી વિરુદ્ધ આખી ભાજપે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું આંદોલન ચલાવ્યું હતું. તે સમયે ભાજપના નેતાઓ શુભેન્દુને પકડવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આજે તે જ વ્યક્તિને રાજ્યની બાગડોર સોંપી દીધી છે."
ઓન કેમેરા લાંચથી લઈને CMની ખુરશી સુધી
રાઉતે જૂના દિવસોની યાદ અપાવતા કહ્યું કે, શુભેન્દુ અધિકારી એક સમયે કેમેરા સામે કથિત રીતે લાંચ લેતા પકડાયા હતા. તે સમયે ભાજપના દરેક સોશિયલ મીડિયા હેન્ડલ પર શુભેન્દુ અધિકારી કેટલા ભ્રષ્ટ છે તેની ઝુંબેશ મહિનાઓ સુધી ચાલી હતી. આટલું જ નહીં, તેમની સામે EDના દરોડા પણ પડ્યા હતા. પરંતુ જેવો આ ‘મહાન વ્યક્તિ’ ભાજપમાં જોડાયો, તેવો જ તેના પરના તમામ ડાઘ ધોવાઈ ગયા અને આજે તે રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છે.
તમિલનાડુના રાજકારણ પર પણ નિવેદન
બીજી તરફ, તમિલનાડુમાં કોંગ્રેસે DMK સાથે છેડો ફાડીને વિજય થલાપતિની પાર્ટી TVK ને ટેકો આપવા મામલે પણ રાઉતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રાજકારણમાં આવું બનતું રહે છે. તમિલનાડુનું રાજકારણ ઘણું ચંચળ છે. રાહુલ ગાંધીએ સ્ટાલિન સાથે આ અંગે ખુલીને વાત કરી છે કે NDA ને રોકવા માટે આ નિર્ણય જરૂરી છે. ધીમે ધીમે આ ગૂંચવણનો પણ ઉકેલ આવી જશે.
હાલમાં તો શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી બનવાને કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને વિપક્ષો વચ્ચેનો જંગ વધુ તેજ બને તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.

(10:56 PM IST)