News of Saturday, 15th August 2026
પેપર લીક અને સરકારી ભરતી કૌભાંડો મામલે યોગગુરુ બાબા રામદેવ આક્રમક મૂડમાં: સુધારો નહીં થાય તો ફરી દેશવ્યાપી આંદોલન કરવાની આપી સણસણતી ચેતવણી!
શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયામાં ચાલતી ગેરરીતિઓ સામે આકરા પ્રહારો કર્યા; ઈન્ટરવ્યૂમાં લાંચ, સ્વજનોની ભલામણ અને ભ્રષ્ટાચાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી.

નવી દિલ્હી: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા પેપર લીક અને સરકારી ભરતી કૌભાંડોના મુદ્દે યોગગુરુ બાબા રામદેવે આકરા તેવર બતાવ્યા છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવતા તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકારી ભરતીઓમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો તેઓ જાતે રસ્તા પર ઉતરીને દેશવ્યાપી આંદોલનનું બિગુલ ફૂંકશે.
બાબા રામદેવે આક્ષેપ કર્યો હતો કે સરકારી નોકરીઓના ઇન્ટરવ્યૂમાં મોટા પાયે ધાંધલી થઈ રહી છે. પોતાની જાતિ, વર્ગ અને સંગઠનના લોકોને નોકરી આપીને અન્ય લાયક અને તેજસ્વી ઉમેદવારોનો હક છીનવી લેવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાઓના ગુણ ક્યાંય કામ નથી આવતા અને જાહેર પરીક્ષાઓમાં ૯૦ થી ૯૯ ટકા કૌભાંડો થઈ રહ્યા છે. ઈન્ટરવ્યૂમાં રૂપિયા અને લાંચ લઈને માર્ક્સ વહેંચવામાં આવે છે, જે દેશના યુવાનો સાથે ખુલ્લેઆમ અન્યાય છે.
વધુમાં તેમણે શાળા-કોલેજોમાં વીજળી, પાણી અને પુસ્તકોની અછત જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ દેશમાં અરાજકતા કે ઉગ્ર આંદોલનના સમર્થક નથી, પરંતુ જો સિસ્ટમમાં રહેલી આ ગેરરીતિઓને સુધારવામાં નહીં આવે તો યુવાનોના ભવિષ્ય માટે તેમણે મજબૂરીવશ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. દેશમાં અત્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે બાબા રામદેવની આ ચેતવણીથી સરકાર પર મોટું દબાણ સર્જાયું છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
