તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
કોલકાતામાં યોગનો વિશ્વવિક્રમ: ઐતિહાસિક રેડ રોડ પર પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં લાખો સાધકો જોડાશે
હુગલી નદીમાં ૫૦૦થી વધુ બોટ પર એકસાથે યોગ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સાથે ભારત રચશે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ.

કોલકાતા: ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે દેશ સજ્જ બન્યો છે, જેમાં રવિવારે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ૩૦,૦૦૦થી વધુ સાધકો એકસાથે યોગાભ્યાસ કરીને વિશ્વવિક્રમ સ્થાપિત કરશે. આયુષ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન સવારે ૫ વાગ્યે ઉપસ્થિત રહી સામાન્ય યોગ પ્રોટોકોલનું નેતૃત્વ કરશે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હુગલી નદી પરનું આયોજન છે, જ્યાં ૫૦૦થી વધુ બોટ પર યોગાભ્યાસ કરીને એક અનોખો રેકોર્ડ બનાવવામાં આવશે. કાર્યક્રમમાં સવારે ૬:૩૦ વાગ્યે વડાપ્રધાનનું સંબોધન થશે અને ત્યારબાદ ૪૫ મિનિટ સુધી સઘન યોગ સત્ર ચાલશે. આ સાથે જ દેશના ૧૦૦ અગ્રણી સાંસ્કૃતિક સ્થળોએ પણ વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની પરંપરાને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવશે.
વડાપ્રધાન મોદી રેડ રોડ પર યોગાભ્યાસ બાદ લોક ભવન પહોંચશે અને ત્યારબાદ બંદર ખાતે ત્રણ નવા યુદ્ધ જહાજોનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમો બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કોલકાતા એરપોર્ટ પહોંચીને ખાસ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થશે. ભાજપ સરકારના કાર્યકાળમાં પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો યોગ કાર્યક્રમ માનવામાં આવે છે.
આયુષ મંત્રાલયના યોગ સંગમ પોર્ટલ પર અત્યાર સુધી ૬ લાખથી વધુ સંસ્થાઓએ નોંધણી કરાવીને આ અભિયાનને એક જન આંદોલન બનાવી દીધું છે. યોગના માધ્યમથી સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક વારસાને જોડવાના આ પ્રયાસો ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો કરી રહ્યા છે, જે આગામી સમયમાં નવી પેઢીને જીવનશૈલીમાં યોગને અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડશે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
