તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
યોગી આદિત્યનાથનો અખિલેશ યાદવને ખુલ્લો પડકાર: "તમે અયોધ્યાથી ચૂંટણી લડો, હું પણ ત્યાંથી જ ઉમેદવારી નોંધાવીશ!"
બલરામપુરની સભામાં સપા પ્રમુખ પર આકરા પ્રહારો; માફિયાઓ સામે ઘૂંટણ ટેકવનારાઓમાં સામસામે લડવાની હિંમત ન હોવાનો મુખ્યમંત્રીનો દાવો

બલરામપુર : ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફરી એકવાર શાબ્દિક યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા આપવામાં આવેલા રાજકીય પડકારને ખુલ્લેઆમ સ્વીકારી લીધો છે. બલરામપુર જિલ્લામાં કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક વિશાળ જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશ યાદવને સીધો પડકાર ફેંક્યો હતો કે, "તમે પણ અયોધ્યાથી લડો... હું પણ અયોધ્યાથી જ ઉમેદવારી નોંધાવીશ!... ચાલો, એકવાર નસીબ અજમાવી જોઈએ. પોતાના સમર્થકોની આડમાં શા માટે લડવું જોઈએ... લડાઈ હંમેશાં સામસામે થવી જોઈએ."
અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જે લોકો ભૂતકાળમાં માફિયાઓ અને અપરાધીઓ સામે ઘૂંટણ ટેકવતા હતા, તેમનામાં ક્યારેય ખુલ્લેઆમ સામસામે આવવાની કે હિંમત દાખવવાની તાકાત નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અયોધ્યા એ તેમના માટે માત્ર એક ચૂંટણી ક્ષેત્ર નથી, પરંતુ ભારતની આસ્થાનું એક પવિત્ર ધાર્મિક કેન્દ્ર છે અને રાજ્ય સરકાર તેના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ દ્વારા અવારનવાર મંદિર નગરી અયોધ્યાની મુલાકાતો લેવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને યોગી આદિત્યનાથને અયોધ્યાથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો, જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ આ આક્રમક નિવેદન આપ્યું છે. વર્તમાન સમયમાં યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરી બેઠક પરથી ધારાસભ્ય છે અને ગોરખપુર તેમનું ગૃહનગર પણ છે.
સમાજવાદી પાર્ટીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પોતાની 'PDA' (પછાત, દલિત, લઘુમતી) રણનીતિના જોરે અતિ પ્રતિષ્ઠિત અયોધ્યા/ફૈઝાબાદ બેઠક પર વિજય મેળવ્યો હતો. હવે આગામી રાજકીય સમીકરણો વચ્ચે સપા આ જ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય પવન પાંડેને મેદાનમાં ઉતારે તેવી પ્રબળ સંભાવનાઓ છે, જેને લઈને ઉત્તર પ્રદેશનું રાજકારણ આગામી દિવસોમાં વધુ ગરમાવાની પૂરી શક્યતા છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
