<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

લાઈટ બિલના ટેન્શનથી મળશે મુક્તિ: વીજળીના મીટરમાં થતી આ ૩ કલરની લાઈટો પાછળનું ગણિત સમજી લો, મોટું બિલ આવતું અટકશે અને અકસ્માતથી બચાશે!

ડિજિટલ મીટરમાં સતત બ્લિંક થતી એલઈડી (LED) લાઈટો આપે છે ચોવીસે કલાક ચેતવણી; કરંટ લીકેજ અને મીટર સાથે છેડછાડ પકડી પાડતી આધુનિક ટેકનોલોજીની જાણો સંપૂર્ણ વિગતો

અમદાવાદ: ઉનાળાની સીઝનમાં ઘરોમાં એસી, પંખા અને કુલરનો વપરાશ વધતાની સાથે જ દર મહિને આવતા તોતિંગ લાઈટ બિલ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખે છે. ઘણીવાર આપણને સમજાતું નથી કે ઘરમાં આટલો બધો વીજળીનો વપરાશ ક્યાં થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરની બહાર લાગેલો વીજળીનો ડિજિટલ મીટર અલગ-અલગ રંગની લાઈટો દ્વારા આ બાબતની ચેતવણી તમને ચોવીસે કલાક આપતો રહે છે? પાવર કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર પણ આ અંગે ખાસ વિગતો જાહેર કરવામાં આવી છે.
વીજળીના ડિજિટલ મીટરની ડિસ્પ્લે નીચે લાગેલી નાની લીલી, પીળી અને લાલ રંગની લાઈટો વાસ્તવમાં ખાસ એલઈડી (LED) ઈન્ડિકેટર્સ છે. જો તમે આ લાઈટોના ઝબકવાનો (બ્લિંક થવાનો) સાચો સંકેત સમજી લો, તો તમે માત્ર મોટું લાઈટ બિલ આવતા જ અટકાવી શકતા નથી, પણ ઘરમાં શોર્ટ સર્કિટ જેવા મોટા અકસ્માત અને આગ લાગવાના જોખમથી પણ બચી શકો છો.
લીલી કે લાલ લાઈટ: પાવર અને ફેઝ ઈન્ડિકેટર
મીટરમાં સતત ચાલુ રહેતી લીલી કે લાલ રંગની લાઈટ એ દર્શાવે છે કે મેઈન લાઈનમાંથી મીટર સુધી પાવર સપ્લાય બરાબર આવી રહ્યો છે. જ્યાં સુધી પાવર ચાલુ રહેશે ત્યાં સુધી આ લાઈટ સતત એકધારી ચાલુ રહેશે અને પાવર કટ (વીજળી ગુલ) થતાં જ આ લાઈટ બંધ થઈ જાય છે.
તેજીથી કે ધીમેથી ઝબકતી લાઈટ: પલ્સ ઈન્ડિકેટર
મીટરમાં લાલ કે વાદળી રંગની એક એવી લાઈટ હોય છે જે સતત લબુક-ઝબુક (બ્લિંક) થતી રહે છે. આ 'પલ્સ ઈન્ડિકેટર' છે, જે તમારી વીજળીના વપરાશની સ્પીડ દર્શાવે છે. સામાન્ય રીતે મીટર પર ‘3200 imp/kWh’ એવું લખેલું હોય છે, જેનો અર્થ એ થાય કે આ લાઈટ ૩૨૦૦ વાર ઝબકશે ત્યારે તમારા બિલમાં ૧ યુનિટ વીજળી જમા થશે.
જ્યારે ઘરમાં એસી (AC), ગીઝર, હીટર કે વોટર પંપ જેવા ભારે ઉપકરણો ચાલુ હોય છે, ત્યારે આ લાઈટ અતિશય ઝડપથી બ્લિંક થવા લાગે છે, જે સંકેત આપે છે કે તમારું બિલ ખૂબ સ્પીડમાં વધી રહ્યું છે. જો ઘરમાં માત્ર સામાન્ય બલ્બ કે પંખા ચાલુ હશે, તો આ લાઈટ એકદમ ધીમે-ધીમે ઝબકશે.
પીળી કે એમ્બર લાઈટ: કરંટ લીકેજનું મોટું જોખમ
જો તમારા મીટરમાં પીળા રંગની લાઈટ ચાલુ થઈ જાય, તો સમજી લેવું કે આ જોખમની ઘંટડી છે. આ લાઈટ ત્યારે જ ચાલુ થાય છે જ્યારે ઘરના આંતરિક વાયરિંગમાં કોઈ ખામી હોય, કરંટ લીક થતો હોય અથવા ન્યુટ્રલ વાયરમાં કોઈ ગરબડ હોય. જો તમે ઘરની તમામ સ્વીચો અને ઉપકરણો બંધ કરી દો, તેમ છતાં જો મીટરમાં આ પીળી લાઈટ ચાલુ જ રહે, તો તરત જ ઈલેક્ટ્રિશિયનને બોલાવીને વાયરિંગ ચેક કરાવવું જોઈએ. આ ખામીના કારણે વીજળી લીક થવાથી વપરાશ વગર જ બિલ મોટું આવે છે અને શોર્ટ સર્કિટથી આગ લાગવાની સંભાવના રહે છે.
ટેમ્પર લાઈટ: મીટર સાથે છેડછાડનો સંકેત
મોટાભાગના મીટરમાં સુરક્ષા માટે 'ટેમ્પર લાઈટ' આપવામાં આવી હોય છે, જે લાલ કે પીળા રંગની હોય છે. જો કોઈ વ્યક્તિ મીટર ખોલવાનો, વીજળી ચોરી કરવાનો કે તેની સાથે કોઈ છેડછાડ કરવાનો પ્રયાસ કરે, તો આ લાઈટ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. લાઈનમેન કે ચેકિંગ સ્ટાફ આ લાઈટ જોઈને તરત જ સમજી જાય છે કે મીટર સાથે કોઈ ગરબડ કરવામાં આવી છે. આથી, મીટરની લાઈટોના સંકેત સમજીને સતર્ક રહેવું એ જ બચત અને સુરક્ષાનો શ્રેષ્ઠ ઉપાય છે.

(8:48 PM IST)