<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અમેરિકાની સિટીઝનશિપ લેવા માટે હવે ૮૦ ટકા વધુ ફી ચૂકવવી પડશે

નવો નિયમ બે મહિનામાં અમલમાં આવે તેવી શક્‍યતા, ડિજિટલ ફોર્મ સબમિટ કરવા ૧૨૮૦ જ્‍યારે પેપર ફોર્મ માટે ૧૩૩૦ ડોલર ચૂકવવા પડશે

વોશીંગ્‍ટન તા.૨૪: ઈમિગ્રન્‍ટ્‍સ પાસેથી કમાણી કરવાના એક પછી એક રસ્‍તા શોધી રહેલું ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશન હવે સિટીઝનશિપની ફી વધારવાની તૈયારીમાં છે. DHSએ આ અંગે સોમવારે એક પ્રસ્‍તાવ રજૂ કર્યો છે જેના અમલમાં આવતા É N-400 ફોર્મ સબમિટ કરાવવા માટે ૭૫-૮૦ ટકા વધુ ફી ચૂકવવી પડશે. આ પ્રસ્‍તાવિક નિયમ અનુસાર ફિઝિકલ ફોર્મ સબમિટ કરાવનારાને ૭૬૦ને બદલે ૧૩૩૦ ડોલર જ્‍યારે ઓનલાઈન ફોર્મ સબમિશન માટે ૭૧૦ને બદલે ૧૨૮૦ ડોલર ફી ચૂકવવાની રહેશે.

આ સિવાય ઓછી આવક ધરાવતા લોકો પાસેથી અત્‍યારસુધી ઓછી ફી લેવાઈ રહી છે પરંતુ નવા નિયમ હેઠળ આ રાહત પણ બંધ કરી દેવાશે અને સાથે જ સિટીઝનશિપ માટે એપ્‍લાય કરતા મિલિટરી સર્વિસ મેમ્‍બર્સ સિવાય જેટલા પણ લોકોને ફી ભરવાથી રાહત આપવામાં આવી છે તે પણ પાછી ખેંચી લેવામાં આવશે.

નવો નિયમ ક્‍યારથી અમલમાં આવશે તેની કોઈ તારીખ હજુ સુધી જાહેર નથી કરાઈ, જોકે તે પહેલા હજુ ઘણી લાંબી કાર્યવાહી પૂરી કરવાની હોવાથી તેના અમલમાં એકાદ-બે મહિના કે તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. ઝણ્‍લ્‍નું કહેવું છે કે નેચરલાઈઝેશનની એક એપ્‍લિકેશન પ્રોસેસ કરવા માટે જેટલો ખર્ચો આવે છે તેના કરતા હાલ લેવામાં આવતી ફી ઘણી ઓછી છે. તેમાં વધારો કર્યા બાદ સંપૂર્ણ કોસ્‍ટ રિકવર કરી શકાશે. સિટીઝનશિપ માટે એપ્‍લાય કરનારા દરેક ઈમિગ્રન્‍ટની ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હોય છે જેમાં સરકારને સારો એવો ખર્ચો કરવો પડે છે. ટ્રમ્‍પે એક એક્‍ઝિક્‍યુટિવ ઓર્ડર સાઈન કરીને આ તપાસને વધુ સઘન બનાવવાનો આદેશ આપ્‍યો હતો જેના કારણે કોસ્‍ટ પણ વધી ગઈ છે.

ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશન ૨૦૨૫થી જ ઈલીગલની સાથે લીગલ ઈમિગ્રેશન પર પણ આકરા નિયંત્રણો મૂકી રહ્યું છે જેના ભાગરૂપે સિટીઝનશિપની ફી પણ વધારવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. તેના માટેના પ્રસ્‍તાવમાં DHSએ જણાવ્‍યું છે કે સિટીઝન બનવા માગતા એલિયન્‍સ એડજ્‍યુડિક્‍શનની સંપૂર્ણ કોસ્‍ટ ચૂકવે તે જરૂરી છે. હાલની ફી ઓછી હોવાથી તેની કોસ્‍ટને રિકવર કરવા માટે અન્‍ય ઈમિગ્રેશન બેનિફિટ્‍સ માટેની ફી ઉંચી રાખવી પડી રહી છે. ડિસેમ્‍બર ૨૦૧૬માં નેચરલાઈઝેશનની ફી ૫૯૫ ડોલરથી વધારીને ૬૪૦ ડોલર કરવામાં આવી હતી અને બાયોમેટ્રિક્‍સ માટે ૮૫ ડોલર અલગથી ચૂકવવા પડતા હતા. ત્‍યારબાદ એપ્રિલ ૨૦૨૪માં ઓનલાઈન ફાઈલિગની ફી ૭૧૦ ડોલર જ્‍યારે પેપર ફાઈલિગ માટે ૭૬૦ ડોલર ફી લેવાતી હતી જેમાં બાયોમેટ્રિક્‍સનો ચાર્જ પણ સામેલ છે.

સિટીઝનશિપ લેવાની પ્રોસેસ ઘણી લાંબી છે, સિટીઝન બનતા પહેલા પરમેનન્‍ટ રેસિડેન્‍સી એટલે કે ગ્રીન કાર્ડ લેવું પડે છે. ગ્રીન કાર્ડ હોલ્‍ડર પાંચ વર્ષના સ્‍ટે દરમિયાન ઓછામાં ઓછા ૩૦ મહિના અમેરિકામાં રહ્યો હોય તો જ તે નેચરલાઈઝેશન માટે એપ્‍લાય કરી શકે છે. તેવી જ રીતે યુએસ સિટીઝન સાથે લગ્ન કરનાર ત્રણ વર્ષ બાદ સિટીઝનશિપ માટે એપ્‍લાય કરી શકે છે પરંતુ તેના માટે આ ગાળા દરમિયાન ઓછામાં ઓછા દોઢ વર્ષ સુધી અમેરિકામાં સ્‍ટે કર્યો હોય તે જરૂરી છે. જે USCIS ડિસ્‍ટ્રિક્‍ટમાં N-400 સબમિટ કરવામાં આવ્‍યું હોય ત્‍યાં એપ્‍લિકન્‍ટ ત્રણ મહિનાથી રહેતો હોય તે ફરજિયાત છે.

સિટીઝન બનવા માટે પરીક્ષા પણ આપવી પડે છે જે ખાસ અઘરી નથી હોતી. જોકે, હાલની સરકારે નેચરલાઈઝેશનના ધારાધોરણો ખૂબ જ કડક બનાવી દેતા ગુડ મોરલ કેરેક્‍ટર પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સિટીઝનશિપ માટે એપ્‍લાય કરનારા એલિયને જો નાનો સરખો પણ ગુનો કર્યો હોય તો પણ તેની એપ્‍લિકેશનને બે-ત્રણ વર્ષ માટે હોલ્‍ડ પર મૂકવામાં આવી શકે છે. હવે તો ગ્રીન કાર્ડ રિન્‍યૂ કરવાની શરતો પણ સિટીઝનશિપ આપવા જેટલી જ કડક બનાવી દેવામાં આવી છે જેના કારણે ઘણા દેસીઓ મોટી પ્રોબ્‍લેમમાં આવી ગયા છે કારણકે અત્‍યારસુધી ગ્રીન કાર્ડના રિન્‍યૂઅલ માટે કોઈ ખાસ તપાસ નહોતી કરાતી.

આ ઉપરાંત મેરેજ ગ્રીન કાર્ડ માટે થતાં ફ્રોડને રોકવા માટે પણ પતિ-પત્‍ની માટે સાથે રહેવું ફરજિયાત બનાવી દેવામાં આવ્‍યું છે અને જો સિટીઝનશિપ મળતા પહેલા જ ડિવોર્સ થઈ ગયા હોય કે પછી કપલ સાથે ના રહેતું હોય તો તેમના માટે અમેરિકન પાસપોર્ટ મેળવવો મુશ્‍કેલ છે. જે લોકોએ જૂઠ્ઠું બોલીને કે પછી ખોટી માહિતી અથવા ડોક્‍યુમેન્‍ટ્‍સ આપીને સિટીઝનશિપ મેળવી છે તેમના પર પણ હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે.

(9:51 AM IST)