News of Tuesday, 3rd November 2026
નાની ઉંમર, મોટું સ્વપ્ન: 21 વર્ષની આદિવાસી દીકરી સંગીતા બની અમથલાની નવી સરપંચ : પિતા ફેક્ટરીમાં કરે છે મજૂરી!
કોલેજના ત્રીજા વર્ષમાં ભણતી દીકરીએ 47 મતોની સરસાઈથી જીત હાંસલ કરી ગ્રામીણ રાજકારણમાં રચ્યો ઈતિહાસ : અભ્યાસની સાથે રસ્તા, વીજળી અને પાણી જેવા પ્રાણપ્રશ્નો ઉકેલવા લીધો દ્રઢ સંકલ્પ

સિરોહી : રાજસ્થાનના પંચાયતી રાજ ચૂંટણીમાં યુવા શક્તિનો એક અનોખો અને પ્રેરણાદાયી ચમત્કાર જોવા મળ્યો છે. સિરોહી જિલ્લાના આબુ રોડ પંચાયત સમિતિ હેઠળ આવતી અમથલા ગ્રામ પંચાયતમાં માત્ર 21 વર્ષની આદિવાસી યુવતી સંગીતા કુમારી ગરાસિયાએ સરપંચ પદ પર ભવ્ય વિજય મેળવ્યો છે. એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતી સંગીતાએ ભારે રસાકસી ભરેલી ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધીને 47 મતોથી પરાસ્ત કરી શ્રેષ્ઠ જીત નોંધાવી છે. સંગીતાને કુલ 836 મતો મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા ઉમેદવારને 789 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.
સંગીતાની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને જમીની સ્તરનું લોકસંપર્ક અભિયાન મુખ્ય કારણ રહ્યું છે. જ્યારે આ બેઠક એસટી (ST) મહિલાઓ માટે અનામત જાહેર થઈ, ત્યારે સંગીતા અને તેના પરિવારે આ તક ઝડપી લેવાનો નિર્ણય કર્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા ગજગ્રાહ અને રેલીઓ યોજવા ઉપરાંત, સંગીતાએ ઘરે-ઘરે જઈને લોકોની સમસ્યાઓ સમજી અને મત માંગ્યા. સંગીતાના પિતા વીરરામ ગરાસિયા અમથલા સ્થિત મોર્ડન ઇન્સ્યુલેટર ફેક્ટરીમાં ઇન્સ્યુલેટર બનાવવાનું સાધારણ કામ કરે છે, છતાં પણ પોતાની દીકરીને શિક્ષિત બનાવી આજે આ ઊંચાઈ પર પહોંચાડી છે.
હાલમાં આબુ રોડ સરકારી કોલેજમાં બી.એ. ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સંગીતા બાળપણથી જ ગામના વિકાસ માટે કંઈક કરવા માંગતી હતી. સરપંચ બન્યા બાદ તેણે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના અભ્યાસની સાથે-સાથે ગામની કાયાપલટ કરવા માટે પ્રતિબદ્ધ છે. ગામમાં પાયાની સુવિધાઓ જેવી કે તૂટેલા રસ્તાઓનું પુનઃનિર્માણ, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ, પાણીની સુવિધા અને જે વંચિત વિસ્તારોમાં હજુ સુધી વીજળી નથી પહોંચી ત્યાં વીજળી પહોંચાડવી તેની પ્રથમ પ્રાથમિકતા રહેશે. તેનું ઉચ્ચ શિક્ષણ અને દ્રઢ મનોબળ ગામના દરેક છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
