<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

આઈપીએસની નોકરીથી યુવા અફસરો મોહભંગ: ૧૪ મહિનામાં ૭ ‘સિંઘમ’ના રાજીનામા : ૬ તો ૪૦થી નાની ઉંમરના!

દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારી સર્વોચ્ચ પોલીસ સેવાની ૫૦૦થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં લાઈમલાઈટ અને પાવર છોડીને કોર્પોરેટ, પોલિટિક્સ અને વિદેશ તરફ દોટ મૂકતા યુવા અધિકારીઓ

નવી દિલ્હી:   દેશભરમાં ખાખી વર્દી અને આઈપીએસ  પદનો જે વટ અને રૂઆબ હોય છે, તેનાથી આજે દેશના યુવા અધિકારીઓનો મોહભંગ થઈ રહ્યો હોય તેવું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સિદ્ધાર્થ કૌશલ અને કામ્યા મિશ્રા જેવા લોકપ્રિય અધિકારીઓ બાદ હવે ઓડિશા કેડરના ૩૭ વર્ષીય પ્રખ્યાત આઈપીએસ જગમોહન મીણાએ પણ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેઓ ભુવનેશ્વરમાં ડીસીપી તરીકે તૈનાત હતા. આ સાથે જ છેલ્લા ૧૪ મહિનામાં ભારતીય પોલીસ સેવાના કુલ ૭ ઉચ્ચ અધિકારીઓએ નોકરીને કાયમ માટે અલવિદા કહી દીધું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રાજીનામું આપનારા ૭ માંથી ૬ અધિકારીઓ તો હજુ ૪૦ વર્ષથી પણ ઓછી ઉંમરના સળગતા લોહીના યુવાનો છે.

એક તરફ દેશમાં આઈપીએસ અધિકારીઓની ભારે અછત પ્રવર્તી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની કટોકટી ચિંતા ઉપજાવનારી છે. લોકસભામાં સરકાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી અનુસાર દેશભરમાં આઈપીએસની ૫૦૫ જગ્યાઓ ખાલી પડી છે, જેના લીધે સીબીઆઈ અને આઈબી જેવી ટોચની ગુપ્તચર એજન્સીઓમાં પણ ૫૦ ટકાથી વધુ પદો વણવપરાયેલા પડ્યા છે. રાજીનામાના કારણોની તપાસ કરતાં માલૂમ પડે છે કે યુવાનો હવે એક જ પ્રકારની નોકરીમાં બંધાઈ રહેવા માંગતા નથી. બિહારના નુરુલ હોડા અને કામ્યા મિશ્રાએ રાજકારણમાં નસીબ અજમાવવા રાજીનામું આપ્યું, તો એમપીના અભિષેક તિવારીએ સાયબર સિક્યોરિટી બિઝનેસ માટે અને આંધ્રના સિદ્ધાર્થ કૌશલે રિલાયન્સ જેવી મોટી કોર્પોરેટ કંપનીમાં જોડાવા માટે પાવરફુલ નોકરી લાત મારી દીધી છે. જ્યારે ઉત્તરાખંડના લોકેશ્વર સિંહ તો સીધા સંયુક્ત રાષ્ટ્ર (UN) માં જોડાઈ ગયા છે.

ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સ ૧૯૫૮ મુજબ દેશના આ સર્વોચ્ચ અધિકારીઓને રાજીનામું આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને કેન્દ્ર સરકાર તેને મંજૂરી આપે છે. જો કે, નિયમ ૫(૧) અનુસાર વહેલા રાજીનામું આપનારા આ અફસરોને નિવૃત્તિ પછીના પેન્શન જેવા સરકારી લાભો મળતા નથી, છતાં યુવાનો આ નુકસાન વેઠવા તૈયાર છે. આ નિયમોમાં એક જોગવાઈ એવી પણ છે કે જો કોઈ અધિકારી ૯૦ દિવસની અંદર પોતાનું મન બદલીને અરજી કરે, તો તેમના ભૂતકાળના રેકોર્ડની સમીક્ષા કરીને તેમને સેવામાં પાછા લઈ શકાય છે. પરંતુ જે રીતે લાખો યુવાનોનું સપનું ગણાતી આ 'સિંઘમ'ની નોકરીને યુવા અફસરો સ્વેચ્છાએ ઠોકર મારી રહ્યા છે, તેનાથી હવે વહીવટી તંત્ર અને રાજકારણમાં આ બાબતે ગંભીર સવાલો અને શંકાઓ ઊભી થવા લાગી છે.

(6:14 PM IST)