હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુવાનો ક્યારેય સુવિધા ખાતર પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરે: દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે CJI સૂર્યકાંતનો પ્રેરણાદાયી સંદેશ
નેશનલ લૉ સ્કૂલના દીક્ષાંત સમારોહમાં ચીફ જસ્ટિસની યુવા વકીલોને ટકોર; કાયદાનું ક્ષેત્ર નબળા કલેજાવાળા માટે નથી, સત્યનો પક્ષ લઈને સાહસ બતાવવા કરી અપીલ

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીનું વાતાવરણ રાજકીય ગરમાવા અને વિરોધ પ્રદર્શનોને કારણે ઘમાસાનભર્યું બન્યું છે. ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિપક્ષી નેતાઓ અને યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. આ બધાની વચ્ચે નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે વર્તમાન સ્થિતિ અને યુવા પેઢીને સંબોધિત કરતા એક અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક નિવેદન આપ્યું છે, જેની દેશભરમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દીક્ષાંત સમારોહમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે તાજેતરના કેટલાક બાહ્ય પરિબળો અને વિરોધ પ્રદર્શનોના કારણે દિલ્હીની સ્થિતિ થોડી દુર્ભાગ્યપૂર્ણ બની છે. આ સ્થિતિ પોતાની સાથે કેટલીક અનિશ્ચિતતાઓ લઈને આવી છે અને એક ક્ષણ માટે તો એવું લાગ્યું હતું કે જે પ્રકારના આયોજનની અપેક્ષા હતી તે કદાચ શક્ય નહીં બને. તેમ છતાં, પડકારો વચ્ચે પણ યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આવા પ્રસંગોનું મહત્વ ક્યારેય ઓછું થતું નથી.
વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા CJI સૂર્યકાંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદાનું આ ક્ષેત્ર નબળા કલેજા વાળા લોકો માટે નથી. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે તેમણે હંમેશાં સત્યનો પક્ષ લઈને પોતાનું સાહસ બતાવવું જોઈએ. કોઈપણ નિર્ણય લેતા પહેલા સામેવાળાની વાત ધ્યાનથી સાંભળો અને વિષયને વ્યક્તિથી અલગ કરીને તટસ્થ દ્રષ્ટિકોણથી નિહાળો. લોકશાહીમાં અસહમતી વ્યક્ત કરવાનો સૌને અધિકાર છે, પરંતુ તે હંમેશાં સામે વાળા વ્યક્તિની ગરિમાને ઠેસ ન પહોંચે તે રીતે હોવી જોઈએ. કાયદો ક્યારેય સ્થિર હોતો નથી, પરંતુ તે લોકોના વિચારો અને કાર્યોના માધ્યમથી સતત વિકસિત થતો રહે છે.
યુવા વકીલો અને વિદ્યાર્થીઓને કિંમતી સલાહ આપતા CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "માત્ર પોતાની સુવિધા ખાતર ક્યારેય તમારા જીવનના મૂળ મૂલ્યો અને સિદ્ધાંતો સાથે સમાધાન ન કરતા." કાયદાનું શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન કે બંધારણના સિદ્ધાંતો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે એવા લોકોને સાથે જોડવાનું કામ કરે છે જેમના મૂળ, માન્યતાઓ અને દ્રષ્ટિકોણ ભલે અલગ હોય, છતાં તેઓ રાષ્ટ્રના વિકાસ માટે સાથે મળીને કામ કરે છે. કાયદાના દાયરામાં રહીને ક્યારેય કોઈ શોર્ટકટ ન અપનાવવા તેમણે યુવાનોને તાકીદ કરી હતી.
દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને યુવાનોના રસ્તા પર ઉતરવાના માહોલ વચ્ચે CJI સૂર્યકાંતનું આ નિવેદન અત્યંત સમયાનુકૂળ સાબિત થયું છે. દેશના ભાવિનું ઘડતર કરનારા યુવા વર્ગમાં નૈતિક જવાબદારી, બૌદ્ધિક સ્ફૂર્તિ અને ન્યાયપ્રિયતાની ભાવના જાગૃત કરવા માટે સર્વોચ્ચ અદાલતના વડા દ્વારા આપવામાં આવેલો આ સંદેશ દીવાદાંડી સમાન બની રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
