<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

મહારાષ્ટ્રના મંત્રી અને મહિલા નેતા સામે યુટ્યુબ પર બીભત્સ ટિપ્પણી ભારે પડી: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સંતોષ પંડિતની પુણે સ્થિત ઘરેથી ધરપકડ!

મંત્રી ચંદ્રકાંત પાટીલ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવાનો આરોપ. કોથરુડ પોલીસે BNS અને IT એક્ટ હેઠળ કરી કડક કાર્યવાહી.

પુણે : સોશિયલ મીડિયા પર ફેમ મેળવવા અને લાઇક્સ ખાતર મર્યાદા વટાવનારા ઈન્ફ્લુએન્સર્સ પર હવે ખાખી વર્ધીનો કોરડો વીંઝાવાનો શરૂ થયો છે. મહારાષ્ટ્રના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ તેમજ એક મહિલા જનપ્રતિનિધિ વિરુદ્ધ યુટ્યુબ પર અત્યંત બીભત્સ અને બદનક્ષીભરી સામગ્રી પોસ્ટ કરવાના ગંભીર આક્ષેપ હેઠળ પોલીસે ૪૫ વર્ષીય સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર સંતોષ પંડિતની તેના પુણે સ્થિત ઘરેથી ધડપકડ કરી લીધી છે.

 

યુટ્યુબ પર લાખો લોકોએ જોયો હતો વાંધાજનક વિડીયો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંતોષ પંડિતના યુટ્યુબ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલી વાંધાજનક સામગ્રી ટૂંક જ સમયમાં વાયરલ થઈ ગઈ હતી અને તેને લાખો લોકો જોઈ ચૂક્યા હતા. મંત્રીઓ અને મહિલા નેતા વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદસ્પદ ટિપ્પણીઓને કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ પુણેના કોથરુડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૫(૧)(૪), ૭૫(૩), ૩૫૬(૨), ૩૫૨ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

મુખ્યમંત્રી ફડણવીસ સામે પણ કરી હતી ટિપ્પણી: અગાઉ પણ નોંધાયો છે કેસ

ઝોન-૩ ના ડેપ્યુટી પોલીસ કમિશનર સાગર કવડેએ આરોપીની અટકાયતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે પંડિત સામે આ કોઈ પહેલો કેસ નથી. ફરિયાદમાં એવો પણ સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે કે આરોપીએ અન્ય એક વિડીયોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ પણ અત્યંત વાંધાજનક અને અસંસ્કૃત ટિપ્પણી કરી હતી. આ પહેલાં પણ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં તેની સામે સમાન પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

(7:45 PM IST)