તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ઝેલેન્સ્કી પર પુતિનનો કટાક્ષ : ૬૦ દિવસનો યુદ્ધવિરામ ફગાવી મોસ્કોએ કહ્યું, ચૂંટણી કરવી હોય તો ફક્ત એક દિવસ માટે વિરામ આપીશું!'
ટ્રમ્પના દબાણ બાદ ઝેલેન્સ્કીએ ફેંકી હતી ૬૦ દિવસના વિરામ અને ચૂંટણીની શરત: ક્રેમલિને કહ્યું, અમને કામચલાઉ ટુકડા-શાંતિ નહીં પરંતુ કાયમી અને મોટો ઉકેલ જોઈએ છે!

કીવ:રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે રાજદ્વારી દાવપેચ અને મિડિયા વોરમાં ફેરવાઈ ગયું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુક્રેનમાં નવા રાષ્ટ્રપતિ લાવવાની કરવામાં આવેલી ટિપ્પણી અને વધતા રાજકીય દબાણ સામે ઝૂકીને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા સમક્ષ ૬૦ દિવસના સંપૂર્ણ યુદ્ધવિરામની મોટી શરત મૂકી હતી. ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે જો રશિયા ૬૦ દિવસ સુધી હુમલા બંધ કરે તો યુક્રેન પોતાના દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવા તૈયાર છે. પરંતુ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ક્રેમલિને ઝેલેન્સ્કીના આ પ્રસ્તાવને તુરંત જ ફગાવી દઈને એક આકરો અને કટાક્ષપૂર્ણ વળતો જવાબ આપ્યો છે.
હકીકતમાં, વ્હાઇટ હાઉસ ખાતેથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન દળો દ્વારા રશિયન તેલ રિફાઇનરીઓ અને ઊર્જા મથકો પર કરાઈ રહેલા હુમલાઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું હતું કે "યુક્રેન માટે હવે નવા રાષ્ટ્રપતિ લાવવાનો સમય આવી ગયો છે." આ નિવેદન બાદ પોતાની રાજકીય સ્થિતિ બચાવવા માટે ઝેલેન્સ્કીએ યુએસ મીડિયા "ABC ન્યૂઝ" ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "જો પુતિન આપણને ૬૦ દિવસનો સંપૂર્ણ યુદ્ધવિરામ આપે, તો અમે તરત જ દેશમાં લોકશાહી ઢબે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજીશું." ઝેલેન્સ્કીએ વિચાર્યું હતું કે આ પ્રસ્તાવથી ટ્રમ્પનો ગુસ્સો શાંત થશે અને વૈશ્વિક સ્તરે તેમનું પલ્લું ભારે થશે.
ઝેલેન્સ્કીના આ પત્તા સામે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ક્રેમલિને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ એ ખુલાસો કર્યો કે રશિયાને સૈન્ય તાકાત એકઠી કરવા માટે અપાતા આવા નાના અને કામચલાઉ યુદ્ધવિરામમાં કોઈ રસ નથી. રશિયા યુદ્ધનો ટુકડે-ટુકડે નહીં પરંતુ કાયમી અને લાંબા ગાળાનો ન્યાયિક ઉકેલ ઈચ્છે છે. આ સાથે જ ક્રેમલિને કટાક્ષ કરતા વળતો પ્રસ્તાવ મૂક્યો હતો કે જો યુક્રેનને ચૂંટણીઓ જ યોજવી હોય, તો રશિયા માત્ર 'એક દિવસ' માટે હુમલા રોકવા સંમત થઈ શકે છે, જેથી યુક્રેનિયન નાગરિકો જઈને શાંતિથી વોટિંગ કરી શકે!
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
