News of Wednesday, 24th June 2026
સ્પાઈડર-મેનના રોમ પ્રીમિયરમાં ઝેન્ડાયાનો જાદુ: પતિ ટોમ હોલેન્ડ સાથે ૩૫ વર્ષ જૂના રિયલ 'સ્પાઈડર-વેબ' ગાઉનમાં રેડ કાર્પેટ પર લગાવી આગ!
૩ દાયકા જૂના વિન્ટેજ અરમાની ગાઉન અને કરોળિયાના જાળા જેવી જટિલ ડિઝાઇને ફેશન જગતમાં મચાવી સનસનાટી; સુપરહીરો કલર્સમાં વર્સાચે લુક પણ રહ્યો સુપરહિટ

રોમ : જ્યારે પણ કોઈ ખાસ થીમ આધારિત 'મેથડ ડ્રેસિંગ' (ફિલ્મની થીમ પ્રમાણે કપડાં પહેરવા)ની વાત આવે, ત્યારે હોલીવુડ સુપરસ્ટાર ઝેન્ડાયા (Zendaya) આ કળામાં હંમેશા ટોપ પર રહે છે. તેની આગામી ફિલ્મ 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' (Spider-Man: Brand New Day) ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેવામાં આ ફિલ્મના પ્રમોશનલ ટૂર માટે ઝેન્ડાયા તેના સહ-કલાકાર અને રીયલ લાઈફ પતિ ટોમ હોલેન્ડ (Tom Holland) સાથે રોમ પહોંચી હતી. ત્યાં તેણે રેડ કાર્પેટ પર પોતાના આઉટફિટથી એવો ધમાકો કર્યો કે લોકોની નજરો તેના પર જ અટકી ગઈ.
સાંજના મુખ્ય પ્રીમિયર ઇવેન્ટ માટે ઝેન્ડાયાએ કોઈ સામાન્ય કે મોર્ડન ડ્રેસ પસંદ કરવાને બદલે ૩૫ વર્ષ જૂનો ઇતિહાસ પસંદ કર્યો. તે વસંત ૧૯૯૦ ના કલેક્શનમાંથી વિન્ટેજ 'જ્યોર્જિયો અરમાની' (Giorgio Armani) ગાઉન પહેરીને અવતરી હતી. આ અદભુત સ્લીવલેસ ડ્રેસમાં નગ્ન (ન્યૂડ) બેઝ પર એવી નાજુક અને જટિલ મણકાની કારીગરી કરવામાં આવી હતી, જે જોતા જ જાણે રિયલ 'કરોળિયાનું જાળું' (Spider-Web) હોય તેવો ભ્રમ પેદા કરતું હતું. કમર પર લગાવવામાં આવેલું એક નાનું રત્ન-જડિત સ્પાઈડર આ અનોખી ફેશન ટ્રિબ્યુટને કમ્પ્લીટ કરતું હતું.
ઓલ્ડ-હોલીવુડ લુક અને કિલર અંદાજ
પોતાના આ સ્પાઈડર-વુમન લુકને કિલર બનાવવા માટે ઝેન્ડાયાએ ૧૯૨૦ ના દાયકાની પ્રખ્યાત 'ફિંગર-વેવ બોબ' હેરસ્ટાઇલ અપનાવી હતી. સાથે જ ટિફની એન્ડ કંપનીના એલિગન્ટ ડ્રોપ ઇયરિંગ્સ અને ડાર્ક સ્મોકી આઇઝ તેના આ ઓલ્ડ-હોલીવુડ ગ્લેમરમાં ચાર ચાંદ લગાવતા હતા. તેની બાજુમાં બ્લેક ક્લાસિક સૂટમાં સજ્જ તેનો પતિ ટોમ હોલેન્ડ પણ ખૂબ હેન્ડસમ લાગતો હતો અને આ કપલની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
દિવસ દરમિયાન સ્પાઈડર-મેનના ઓરિજિનલ કલર્સમાં જોવા મળી
માત્ર અરમાની ગાઉન જ નહીં, પરંતુ તે પહેલા દિવસના ફોટો કોલ દરમિયાન પણ ઝેન્ડાયાએ ૧૯૯૭ ના કલેક્શનનો એક વિન્ટેજ 'વર્સાચે' (Versace) આઉટફિટ પહેર્યો હતો. આ ટુ-પીસ લુકમાં કિરમજી (મેરૂન) કલરનું ચમકતું ક્રોપ ટોપ અને બ્લુ તથા રેડ સિક્વિન્સથી સજ્જ મિની સ્કર્ટ સામેલ હતું, જે સ્પાઈડર-મેનના આઇકોનિક લાલ-વાદળી સૂટની યાદ અપાવતું હતું. ટૂંકા પિક્સી હેરસ્ટાઇલ અને વ્હાઇટ હીલ્સ સાથેનો તેનો આ લુક પણ એટલો જ વાયરલ થઈ રહ્યો છે. ટૂંકમાં, ઝેન્ડાયાએ સાબિત કરી દીધું કે ફેશનની દુનિયામાં તેની ટક્કરમાં કોઈ જ નથી!
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
