તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં ઝોમેટો-સ્વિગી ચાર્જ વધારવાની તૈયારીમાં
હવે ૧૦ મિનિટની ડિલિવરી માટે ખિસ્સા વધુ ખાલી કરવા પડશે! : ફયુઅલ મોંઘું થવાથી ૧૦ મિનિટમાં ડિલિવરી કરનારી કંપનીઓની પડતર કિમત વધી રહી છે, જેનાથી આવનારા સમયમાં ગ્રાહકોએ વધુ ડિલિવરી ફી અથવા સર્વિસ ચાર્જ ચૂકવવો પડી શકે છે

નવી દિલ્હી,તા.૧૯: દેશમાં ૧૦ મિનિટ વાળી ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી સર્વિસનો ઉપયોગ હવે લગભગ દરેક ઘરમાં થવા લાગ્યો છે, પરંતુ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવોની અસર હવે આ કંપનીઓ પર પણ પડવાની છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. એલારા કેપિટલના રિપોર્ટ અનુસાર, જીઓ-પોલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોના કારણે આ વધારો થયો છે. આનાથી ડિલિવરી પાર્ટનર્સની કમાણી પર દબાણ આવશે અને પ્લેટફોર્મ્સે પોતાની કિમતો વધારવી પડી શકે છે.
ક્વિક કોમર્સમાં એવરેજ ડિલિવરી કિમત ૩૫-૫૦ રૂપિયા પ્રતિ ઓર્ડર છે, જ્યારે ફૂડ ડિલિવરીમાં આ ૫૫-૬૦ રૂપિયાની આસપાસ હોય છે. રિપોર્ટ મુજબ, Zomato માટે એવરેજ ડિલિવરી ખર્ચ આશરે ૪૫ રૂપિયા અને Swiggy માટે ૫૫ રૂપિયા પ્રતિ ઓર્ડર છે. ડિલિવરી ખર્ચમાં ફયુઅલનો હિસ્સો લગભગ ૨૦ ટકા છે, એટલે કે એક ઓર્ડર પર ૯-૧૦ રૂપિયા ફયુઅલનો ખર્ચ આવે છે.
હાલમાં ૪ ટકાના વધારાથી પ્રતિ ઓર્ડર ૦.૪૪ રૂપિયાનો વધારાનો બોજ પડશે. જો ફયુઅલના ભાવ વધુ વધીને ૧૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા, તો આ અસર ૧-૧.૨ રૂપિયા પ્રતિ ઓર્ડર સુધી પહોંચી શકે છે. આનાથી કંપનીઓની કમાણી (EBITDA) પર ૪-૧૨ ટકા સુધી અસર પડી શકે છે, જો આ વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખવામાં ન આવ્યો તો.
Zomato (જેમાં Blinkit સામેલ છે) અને Swiggy બંને ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ પર નિર્ભર છે. જ્ળ્૨૭માં Zomatoના આશરે ૨.૭ અબજ અને Swiggyના ૧.૪ અબજ ઓર્ડર આવવાનો અંદાજ છે. Swiggy પર અસર વધુ થઈ શકે છે કારણ કે તે હજુ ક્વિક કોમર્સમાં બ્રેકઇવન એટલે કે 'નો પ્રોફિટ, નો લોસ'ના રસ્તા પર છે.
બીજી તરફ, Zomatoની સ્થિતિ વધુ સારી માનવામાં આવી રહી છે. તેનું મોટું સ્કેલ, વધુ એડ આવક અને પ્રીમિયમ ગ્રાહક આધાર તેને કિમતો વધારવામાં મદદ કરશે. કંપનીઓ વધારાના ખર્ચનો કેટલોક ભાગ ગ્રાહક ચાર્જ વધારીને, કેટલોક જાતે ભોગવીને અને કેટલોક ડિલિવરી પાર્ટનર્સની કમાણી પર દબાણ લાવીને સંભાળવાનો પ્રયાસ કરશે.
વધતી જતી પડતર કિમતના કારણે ૧૦ મિનિટ ડિલિવરીની આ સુવિધા મોંઘી પડી શકે છે. એવામાં કંપનીઓ ડિલિવરી ફી અથવા સર્વિસ ચાર્જ વધારી શકે છે. ડિલિવરી પાર્ટનર્સ (ગીગ વર્કર્સ)ની કમાણી પ્રભાવિત થવાથી તેઓ વધુ પેમેન્ટની માગ કરી શકે છે, જેનાથી આખી સિસ્ટમ પ્રભાવિત થશે.
જોકે, એલારા કેપિટલનું કહેવું છે કે, થોડા સમય પછી આ નિયંત્રણમાં આવી જશે. લાંબા ગાળે કંપનીઓ કાર્યક્ષમતા વધારીને, ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ઉપયોગ વધારીને અને સારા પ્લાનિગથી આ પડકારનો સામનો કરી શકે છે. ફયુઅલના ભાવોમાં વધારો હવે ક્વિક કોમર્સ ઇન્ડસ્ટ્રી માટે એક નવો પડકાર બનીને સામે આવી રહ્યો છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
