<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

શ્રીપંચનાથ મેડિકલ ટ્રસ્‍ટ હોસ્‍પિટલ સાથે કેશીયર મહુવાની યુવતિ અને મિત્રની ૧ લાખની ઉચાપત

જે દવા પાછી નહોતી આવી તેના ૩૦૨ દર્દીઓના ખોટા રીટર્ન બીલ ઉભા કરી ૧.૭૭ લાખ કટકટાવ્‍યા ને મોજશોખમાં વાપર્યાઃ પોલ પકડાતાં ૭૫ હજાર પાછા દીધાઃ બીજી રકમ ન દેતાં એ-ડિવીઝનમાં યુવતિ અને મિત્ર કરણ સામે ફરિયાદ

રાજકોટ તા. ૬: શહેરની શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્‍ટ હોસ્‍પિટલમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર કમ કેશીયર તરીકે નોકરી કરતી ભાવનગરના મહુવાની યુવતિએ નોકરી દરમિયાન ગોટાળા આચરી મેડિકલ સ્‍ટોરમોં દવાઓ પાછી આવી નહોતી તેવા ૩૦૨ દર્દીઓની દવા પાછી આવી છે તેવા ખોટા રીટર્ન બીલ બનાવી રૂા. ૧.૭૭ લાખ કટકટાવી લઇ મિત્રને આપી મોજશોખમાં ઉડાવી દીધાનું ખુલતાં તેણીની પોલ પકડાઇ જતાં ૭૫ હજાર પાછા આપી દઇ બાકીના ૧,૦૨,૦૦૦ ન આપતાં તેણી અને તેણીના મિત્ર વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં રામનાથપરા-૧૧માં ચામુંડા નિવાસ ખાતે રહેતાં અને ખેતીનો વ્‍યવસાય કરવાની સાથે લીમડા ચોકમાં આવેલી શ્રીપંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે સાત વર્ષથી સેવા આપતાં સંદિપભાઇ રણજીતભાઇ ડોડીયા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી આ હોસ્‍પિટલમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર કમ કેશીયર તરીકે નોકરી કરતી મુળ મહુવા ભાવનગરની ખુશીબેન પ્રતિકભાઇ પરમાર તથા તેની સાથેના કરણ જાદવ વિરૂધ્‍ધ ૧,૭૭,૦૦૦ ઓળવી જઇ તેમાંથી ૭૫ હજાર પરત આપી બાકીના ૧,૦૨,૦૦૦ ન આપી વિશ્વાસઘાત કર્યાનો ગુનો નોંધાયો છે. તેણીએ ૩૦૨ દર્દીઓની દવા મેડીકલ સ્‍ટોરમાં રીટર્ન આવી ન હોવા છતાં આ દવા રીટર્ન આવી છે તેવા ખોટા બીલ બનાવી રકમ ગપચાવી હોવાનો આરોપ મુકાયો છે.

 ફરિયાદ મુજબ, તા. ૧૫/૦૩/૨૦૨૧ના રોજ ખુશીબેન પ્રતિકભાઈ પરમાર અને તેના પતિ પ્રતિકભાઈ શૈલેષભાઈ પરમાર (રહે. મહુવા, જી. ભાવનગર) મેડિકલ સ્‍ટોરમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર કમ કેશિયર તરીકે નોકરી પર લાગ્‍યા હતા. નોકરી દરમિયાન ખુશીબેન મેડિકલ સ્‍ટોરના કેશ કાઉન્‍ટર પર અમુક રકમ પોતાના ખિસ્‍સામાં નાંખતા હોવાનું કેમેરામાં દેખાતાંટ્રસ્‍ટી સંદિપભાઇ અને પ્રમુખ  દેવાંગભાઈ માંકડ અને ટ્રસ્‍ટીઓએ હિસાબોની ક્રોસ વેરિફિકેશન તપાસ કરી હતી. તપાસમાં ખુશીબેને આચરેલી ગરબડ સામે આવી હતી. પુછપરછ દરમિયાન ખુશીબેને કબૂલાત કરી હતી કે, કોમ્‍પ્‍યુટર સોફ્‌ટવેરમાં જે દર્દીઓએ દવા રિટર્ન કરી નથી, તેવા દર્દીઓના નામે પણ ખોટા રિટર્ન બિલ બનાવતી હતી. આ ખોટા બિલના નાણાં તે પોતાના મિત્ર કરણ અતુલભાઈ જાદવને આપતી હતી અને આ સમગ્ર કૌભાંડ કરવા માટે કરણ તેને પ્રોત્‍સાહિત કરતો હતા અને શીખવતો હતો. આ રકમ બંનેએ મોજશોખમાં વાપરી નાખી હતી.

ટ્રસ્‍ટ દ્વારા તપાસ કરવામાં આવતા કુલ ૩૦૨ દર્દીઓના નામે ખોટા રિટર્ન બિલ બનાવી રૂ. ૧,૭૭,૦૦૦ની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવ્‍યું હતું. જેને પગલે તા. ૦૭/૦૭/૨૦૨૧ના રોજ ખુશીબેનને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ટ્રસ્‍ટને નાણાં પરત ચૂકવવા માટે ખુશીબેને પ્રહલાદ રોડ સ્‍થિત નાગરિક સહકારી બેંકના ત્રણ અલગ-અલગ ચેક આપ્‍યા હતા, જે બેંકમાં જમા કરાવતા ચેક ઇરરેગ્‍યુલેટરી ડ્રોનના  શેરા સાથે પરત ફર્યા હતા. બાદમાં ટ્રસ્‍ટની ઓફિસે આવીને તેમણે રૂ. ૭૫,૦૦૦ રોકડા જમા કરાવ્‍યા હતા, પરંતુ બાકીના રૂ. ૧,૦૨,૦૦૦ આજદિન સુધી જુદા જુદા બહાના બનાવી પરત આપ્‍યા ન હતા. અંતે ટ્રસ્‍ટી સંદિપભાઇએ પોલીસને જાણ કરતાં એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ કે. બી. વારીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:08 PM IST)