<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

રાજકોટમાં IT પાર્ક માટે રૈયામાં ૧૦ હજાર ચો.મી. જમીન ફાળવાઇઃ શાપરમાં દર બુધવારે વધારાના ડોકટર રહેશે

વોટસન મ્‍યુઝીયમની ડિઝાઇનીંગ કામગીરી પૂરીઃ જર્જરીત કવાર્ટસના ડીમોલીશન માટે કાર્યવાહી શરૂ

રાજકોટ તા. ૧૮: આજે જિલ્લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશની અધ્‍યક્ષતામાં રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાય હતી. જેમાં લોકપ્રતિનિધિઓ તરફથી વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા, જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્‍ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ  પી.જી.વી.સી.એલ.ના વોટ્‍સએપ ફરિયાદ નંબર, લગ્ન બાદ આધારકાર્ડમાં નામ સુધારવામાં થતા પ્રશ્નો, શાપર સી.એચ.સી.માં સ્‍ટાફની ઘટ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, પી.જી.વી.સી.એલ.ના વોટ્‍સએપ ફરિયાદ નંબરમાં મેટા સાથે કેટલીક પોલિસીને લગતા પ્રશ્નો છે, જેને હલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આધારકાર્ડ અપડેટ માટે બારકોડવાળા સર્ટિ. સિવાયના પ્રમાણપત્રોની ઓથેન્‍ટિસિટી ચકાસીને તેને અપડેટ કરવા માટેની વ્‍યવસ્‍થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે શાપર સી.એચ.સી.માં દર બુધવારે દર્દીઓની વધુ ભીડ રહેતી હોવાથી ત્‍યાં વધારાના ડોક્‍ટર સહિતનો સ્‍ટાફ મૂકવાની સૂચના કલેક્‍ટરે દ્વારા આપવામાં આવી હતી.

ધારાસભ્‍યશ્રી ડો. દર્શિતાબહેન શાહે વોટસન મ્‍યુઝિયમ રિનોવેશન, આઈ.ટી. પાર્ક., પી.ડબલ્‍યુ.ડી.ના જર્જરિત ક્‍વાર્ટર્સ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, વોટસન મ્‍યુઝિયમના ડિઝાઈનિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ફાઈનલ પ્રોજેક્‍ટ ગાંધીનગર મોકલી આપવામાં આવ્‍યો છે. રાજકોટમાં આઈ.ટી. પાર્ક માટે રૈયા સ્‍માર્ટસિટીમાં ૧૦ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. જ્‍યારે જર્જરિત ક્‍વાર્ટર્સના ડિમોલિશન માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવાયું હતું.

બેઠકમાં રાજકોટ ગ્રામ્‍ય પોલીસવડા  વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ અધિક્ષક ઝોન-૨  રાકેશ દેસાઈ, ડી.આર.ડી.એ. નિયામક એ.કે. વસ્‍તાણી, નિવાસી અધિક કલેક્‍ટર  જે.એચ. બારોટ તેમજ વિવિધ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:58 PM IST)