<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

શિક્ષણ સમિતિના ૧૨ સભ્‍યો બિનહરીફ

ચુંટણી અધિકારી નેહલ શુકલ દ્વારા ફોર્મ ચકાસણીઃ ભાજપના ૧૧ અને કોંગ્રેસના એક ઉમેદવારનાં ફોર્મ માન્‍યઃ હવે સરકાર નિયુક્‍ત ત્રણ સભ્‍યો સાથે કુલ ૧૫ સભ્‍યોનું જાહેરનામું પ્રસિદ્ધ થશે

રાજકોટ તા.૧: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના ૧૧ અને કોંગ્રેસના એક ઉમેદવાર સહિત તમામ ૧૨ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્‍યા છે. ચૂંટણી અધિકારી અને મેયર ડૉ. નેહલ શુક્‍લ દ્વારા આજે ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. તમામ ઉમેદવારીપત્રો માન્‍ય ઠરતાં બપોરે ચૂંટણી અધિકારીએ સત્તાવાર રીતે ૧૨ સભ્‍યોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.

ચૂંટણી પાછળ થતો ખર્ચ અને સમય બચાવવા ભાજપ તથા કોંગ્રેસે કોર્પોરેટરોની સંખ્‍યાના પ્રમાણને સ્‍વીકારીને અનુક્રમે ૧૧ અને એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. જરૂરી બેઠકો જેટલાં જ ઉમેદવારીપત્રો ભરાતાં ચૂંટણી યોજવાની જરૂર રહી નથી.

હવે રાજ્‍ય સરકાર દ્વારા નિયુક્‍ત થનારા ત્રણ સભ્‍યોને ઉમેરીને શિક્ષણ સમિતિના કુલ ૧૫ સભ્‍યોનાં નામ સાથેનું સત્તાવાર જાહેરનામું ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાની શકયતા છે. જાહેરનામું બહાર પડ્‍યા બાદ શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે બેઠકની તારીખ જાહેર કરવામાં આવશે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍યો દ્વારા જ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવે છે. જોકે ભાજપમાં આ બંને પદ માટે પક્ષ તરફથી નામનો મેન્‍ડેટ આપવામાં આવવાની પરંપરા રહી છે. હાલ ચેરમેનપદ માટે હરેશભાઈ કાનાણી, કપિલ નથવાણી અને પ્રવીણ ચાવડાનાં નામ ચર્ચામાં આગળ હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત એક ગેઝેટેડ અધિકારીના નામની પણ ભલામણ કરવામાં આવશે. આ ત્રણેય સભ્‍યોનાં નામ રાજ્‍ય સરકારના ગેઝેટમાં સીધાં જાહેર થશે.

(3:31 PM IST)