તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
હિરાસર એરપોર્ટને જોડતા નવા સિકસલેન ગ્રીનફિલ્ડ બાયપાસ અંગે ૨૪ ગામોના ખેડૂતોને નોટીસોઃ ૩ ઓકટોબરથી સૂનાવણી
કુલ ૧૮ હજાર એકર જમીન સંપાદન કરાશેઃ સ્થાનિક જમીન માલિકોમાં ભારે ઉતેજના

રાજકોટ, તા.૨૩: નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. ૧૮ હજાર એકર જમીન સિક્સ લેન્ડ હાઇવે કપાસમાં આવે છે. કુલ ૩૬ કી.મી.નો આ બાયપાસ બની રહ્યો છે જેમની જમીન સંપાદનની કામગીરી આ મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. જેમાં તમામ ૨૪ ગામોના ખેડૂતોને વારાફરતી બોલાવી અને ચુનાવણી હાથ ધરવામાં આવશે . આ અંગે ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા સંબંધિત જમીન માલિકો અને હિતધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં રાજમીન સંપાદન અંગેની પ્રક્રિયા તથા વાંધા-રજૂઆત માટેની સુનાવણીની આગામી ૩ ઓક્ટોબરથી હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, સરકારના નવા પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ બાયપાસના નિર્માણ માટે જરૂરી જમીન સંપાદન કરવાની કાર્યવાહી નેશનલ હાઈવે એક્ટ-૧૯૫૬ની કલમ-૩(અ) હેઠળ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે જાહેર કરાયેલી નોટિફિકેશન તેમજ ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલી વિગતોના આધારે સંબંધિત જમીન અંગેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે.
નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, જમીન અંગે વાંધા કે રજૂઆત ધરાવતા પક્ષકારોએ જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે હાજર રહી પોતાની વાત રજૂ કરવાની રહેશે. સુનાવણી દરમિયાન રજૂ થયેલા વાંધા અને રજૂઆતોને ધ્યાનમાં લઈ નિયમ મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.આ જમીન સંપાદન પ્રક્રિયા ૬-લેન ગ્રીન ફિલ્ડ રાજકોટ બાયપાસ જેવા મહત્વના માર્ગ પ્રોજેક્ટ સાથે જોડાયેલી હોવાથી સ્થાનિક જમીન માલિકોમાં પણ આ નોટિસને લઈને રસ જોવા મળી રહ્યો છે. બાયપાસના નિર્માણથી રાજકોટ શહેરના માર્ગ વ્યવહાર પરનો ભાર ઘટાડવા, લાંબા અંતરના વાહનોને વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવા તેમજ આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવાના હેતુથી પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
(4:42 PM IST)










