તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
૧૨ વર્ષની બાળાને કેટરીંગના કામને બદલે દેહવેપલામાં ધકેલીઃ રેખા અને ભુરીને આજીડેમ પોલીસે દબોચી
કેટરીંગમાં કામ અપાવવાના નામે વાવડી પાસેથી માંડાડુંગર વિસ્તારમાં લઇ જવાઇ હતી : ૧૧થી ૧૪મી સુધીમાં ચારેક વખત તેણી પાસે બંને મહિલાએ દેહવેપલો કરાવી પ૦૦ રૂપિયા દીધા હતાં: બાળાને મહિલા સાથે જતી પડોશી જોઇ જતાં તેણીના માતાને વાત કરતાં હકિકત ખુલી

રાજકોટ તા. ૧૭: શહેરમાં એક ચકચાર જગાવતી ઘટના પોલીસ સુધી પહોંચી હતી. જેમાં ૧૨ વર્ષની બાળાને કેટરીંગમાં કામે લઇ જવાને બહાને એક મહિલાએ તેણીને માંડાડુંગર વિસ્તારના એક મકાનમાં લઇ જઇ ત્યાં બીજી મહિલાની મદદથી ગોંધી રાખી તેની પાસે બળજબરીથી દેહવેપલો કરાવતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી બંને મહિલાની ધરપકડ કરી છે.
બાળા પાસે અલગ અલગ ગ્રાહક મારફત શરીર સંબંધ બંધાવી તેના બદલામાં તેને પાંચસો રૂપિયા આ મહિલા આપતી હતી. બાળાના પડોશમાં રહેતાં મહિલા બાળાને મહિલા સાથે જતી જોઇ જતાં તેણીના વાલીને વાત કરતાં પર્દાફાશ થયો હતો.
આ બનાવમાં આજીડેમ પોલીસે ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી પોક્સો, ધ ઇમ્મોરલ ટ્રાફિકીગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બે મહિલા રેખાબેન મહેશભાઈ ભલાભાઈ સાગઠીયા (ઉ.વ. ૨૯, રહે. વિશ્વકર્મા સોસાયટી, બાપા સીતારામની મઢુલી પાસે, પુનિતનગર પાણીના ટાંકાની સામ) તથા અલ્પાબેન ઉર્ફે ભુરીબેન મહેશભાઈ રમેશભાઈ ગળચર (ઉ.વ. ૪૩, રહે. માંડાડુંગર, શિવમ પાર્ક શેરી નંબર-૧,રાજકોટ)ને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદીની ૧૨ વર્ષની દિકરી ૧૪મીના રોજ સવારે ૧૧ વાગ્યા આસપાસ ઘર નજીક આવેલી દુકાને જતી હતી. બાદમાં ગાયબ થઇ હતી. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી ત્યારે પડોશી મહિલાએ જાણ કરી હતી કે તમારી દિકરી દાદાના ઘરે નથી ગઇ પણ રેખાબેન નામની મહિલાની સાથે જતી જોવા મળી છે. પરિવારજનોએ દિકરીની શોધખોળ શરૂ કરી હતી એ દરમિયાન તેણીને સાંજે રેખાબેન ઘરે મુકી ગઈ હતી અને તેની માતાને કેટરિંગના કામમાં લઈ ગઈ હોવાનું કહી રૂ. ૫૦૦ આપી જતી રહી હતી.
માતાને શંકા ઉપજતાં દિકરીને ફોસલાવીને સાચી હકીકત જણાવવાનું કહેતાં તેણીએ કહ્યું હતું કે પોતે ઘર નજીક દુકાને જતી હતી ત્યારે રેખાબેન સાગઠીયાએ તેને રોકી હતી અને તારે કેટરિંગના કામમાં આવવુ છે તેમ પુછતાં તેણીએ હા પાડતા રેખાબેન તેને ચાલીને ગોંડલ ચોકડી તરફ લઈ ગઈ હતી. ત્યાંથી રિક્ષામાં બેસાડી આજીડેમ ચોકડી પહોંચાડ્યા બાદ એક યુવક એક્ટિવા લઈને આવ્યો હતો, જે બંનેને માંડાડુંગર વિસ્તારમાં આવેલા એક મકાને લઈ ગયો હતો. અહિ રેખાબેન અને તેની પરિચીત અલ્પાબેન ઉર્ફે ભુરીએ અલગ અલગ ચાર વખત મકાનમાં ગોંધી રાખી હતી અને આ બાળા પાસે ગ્રાહકો મોકલી તેની પાસે દેહવેપલો કરાવ્યો હતો. ગ્રાહક દિઠ બાળાને રૂપિયા પાંચસો પણ આ મહિલાઓએ ચુકવ્યા હતાં.
આ અંગે સગીરાના પરિવારે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આજીડેમ પી.આઈ. એચ. એન. પટેલ, પીએસઆઈ ડી. કે. ધાંધલા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો નોંધી બંને મહિલાની ધરપકડ કરી સગીરા સાથે સંબંધ બાંધનારાઓની સામે પણ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
(11:22 AM IST)










